Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કાલે ગાંધી જયંતિ : આજે કોરોના છે તેમ મહાત્માજીની હયાતિમાં પણ સ્પેનિશ ફલુ પ્રસરેલ

આ વખતે પૂ.બાપૂ ની ૧૫૧ મી જન્મજયંતિ પ્રસંગે કલ્પના કરીએ 'કોરોના કાળમાં ગાંધીજી ની હયાતી ની'. આ વિચાર એટલા માટે આવે છે કે ગાંધીજીએ તેમની હયાતીમાં આવી જ એક મહામારીનો અનુભવ કર્યો હતો અને તે મહામારી સમયે તેમણે પોતાના કાર્યો દ્વારા ચીંધેલો માર્ગ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ચાર વર્ષ બાદ ભારત આવ્યા ત્યારે સમગ્ર વિશ્વને ભરડામાં લઇ લેનાર સ્પેનિશ ફલૂ મહામારીના ભારતમાં પણ પગરણ થઈ ગયા હતા. વિશ્વયુદ્ઘ બાદ જહાજ દ્વારા મુંબઈના બંદરે ઉતરેલા સૈનીકો આ જીવલેણ બીમારીને લઇને આવ્યા હતા. ભારતમાં દોઢ કરોડ લોકો તેનો ભોગ બન્યા. ગાંધીજીના પુત્ર હરિલાલના પત્ની અને પૌત્રને પણ આ સ્પેનિશ ફલૂ ભરખી ગયો હતો.એક તરફ આ મહામારી કાળ બનીને ત્રાટકી હતી ત્યારે જ ગાંધીજી પણ એક લાંબી બીમારીમાં સપડાયા હતા.પણ એ મહામારી કે બીમારીમાં પણ ગભરાયા વગર તેમણે એલોપેથીક તબીબી સારવારને બદલે કુદરતી ઉપચાર અને આયુર્વેદિક નિદાન પદ્ઘતિને પ્રાધાન્ય આપ્યું હતું.

આજે કોવિડની કોઈ દવા નથી.ત્યારે એલોપેથીક તબીબો પણ કેટલાક કુદરતી ઉપચારો અને આયુર્વેદિક પદ્ઘતિને સારવારના એક ભાગ તરીકે ઉપયોગ કરવા સલાહ આપી રહ્યા છે અને મહદ અંશે તેના અસરકારક પરિણામો પણ મળી રહ્યા છે.ગાંધીજી આજે હયાત હોત તો તેમણે કોરોનાને હરાવવા માટે લોકોને પ્રાકૃતિક જીવન જીવવા માટે અને કુદરતી તથા આયુર્વેદિક ઉપચારો અપનાવવા માર્ગદર્શન આપ્યું હોત.

  ગાંધીજીએ કહ્યું હોત કે ડરો નહીં, ગભરાવ નહીં. બાપુએ કહ્યું હોત કે ભય છોડો.ભય થી મુકિત મેળવશો તો અડધો જંગ તો એમ ને એમ જીતી લેવાશે બાપુએ મંત્ર આપ્યો હોત,'પહેલાં ભય માંથી મુકિત બાદમાં કોરોનાથી મુકિત'

અત્યારે કોરોના કરતા કોરોનાનો ભય લોકોને વધુ ફફડાવી રહ્યો છે. કોરોના નો જે ભય સમાજ મા ફેલાયો છે તેને કારણે લોકો  ટેસ્ટ નથી કરાવતા.તો બાપૂએ સહુથી પહેલું કામતો  પ્રજામાંથી આ ભય નિવારણનું કર્યું હોત. તેમણે ખૂબ સીધા સદા,લોકોને ગળે ઉતરી જાય એવા શબ્દોમાં  પ્રજા ને ન ડરવાની પણ સાથેજ બેદરકારી પણ ન દાખવવાની અને સાવચેતી રાખવાની સલાહ અને અપીલ કરી હોત. આજે કમનસીબી એ છે કે દેશ પાસે ગાંધી નથી.

  અર્થાત આત્મનિર્ભર ભારત.....લોકલ ફોર વોકલ તરીકે જેને આજે આપણે ઓળખીએ છીએ તે આજે એકવીસમી સદીમા પણ ગાંધી વિચાર કેટલો પ્રસ્તુત છે તેની પ્રતિતિ કરાવે છે. ગાંધીજી એ આઝાદી સમયે નાના ગૃહ ઉદ્યોગો અને ઘરે ઘરે ખાદી ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું હતું.તેમણે લોકોને સ્વદેશી વસ્તુઓ જ અપનાવવાની પ્રેરણા આપી હતી.જેથી સ્થાનિક સ્તરે રોજગારી ઉભી કરી શકાય. બાપુએ આપણને માનવતા, સ્થાનિક ઉત્પાદનની સ્થિરતા, સ્થાનિક વપરાશ અને સંબંધો ના સ્થાનિક ઉપયોગ એ બધુ યાદ કરાવ્યુ હોત તેઓ જેને ગ્રામ સ્વરાજ કહેતા તેને આજે આપણે વોકલ ફોર લોકલ કહીએ છીએ.   આપણે આ કલ્પના કરી પરંતુ આજે ગાંધીજી સદેહે નથી પણ તેમણે કંડારેલી કેડી ઉપર શાસકો અને નાગરીકો ચાલે તો કોરોના રૂપી આપદાની સામે આપણો ચોક્કસ વિજય થાય અને એ જ આજના ગાંધી જયંતિના પાવન અવસરે પૂ.બાપૂને સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરી કહેવાશે.

  ભાગ્યેશ વોરા

મો.૯૪૨૭૭૩૦૪૬૨

(1:00 pm IST)