Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

માત્ર ૩૦૦૦માં આવાસ યોજનામાં ફલેટો ભાડે આપવાની યોજનાં ગરીબો માટે આર્શીવાદ

રેન્ટલ હાઉસીંગ સ્કીમનો રાજકોટમાં અમલ કરાવનાર સ્ટે.ચેરમેન ઉદય કાનગડનો આભાર માનતા લાભાર્થીઓ

રાજકોટ, તા.૧: મ.ન.પાની આવાસ યોજનાઓમાં પ્રતિમાસ રૂ૩૦૦૦નાં ભાડાથી ફલેટ ભાડે આપવાની યોજના ગરીબ મધ્યમવર્ગનાં લોકોમાં આર્શીવાદ સમાન હોવાનું લાભાર્થીઓએ એક યાદીમાં જણાવ્યું છે.

આ અંગે ગોવિંદભાઇ સોલંકી નામનાં લાભાર્થીએ જણાવેલ કે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન હસ્તકના કાલાવડ રોડ તથા પોપટપરા વિસ્તારમાં ઘરવિહોણા લોકોને 'ઘરનું ઘર' આપવાના દાવા તથા તૈયાર આવાસો બી.એસ.યુ.પી. હેઠળ આવાસો બનાવવામાં આવેલ છે. આ તમામ આવાસો છેલ્લા ૧૦ વર્ષથી તૈયાર છે. જે આવાસો છેલ્લા ૧૦ વર્ષથી કોઇને અપાયા જ નથી. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓની બેદરકારી સામે આવ્યાની સાથે જ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડે ત્વરીત એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પલેક્ષ અંગેની આ યોજનામાં આર્થિક રીતે નબળા તેમજ ગરીબ વર્ગના લોકો તેમજ વિદ્યાર્થીઓ પાસેથી રૂ.૩૦૦૦/ પ્રતિમાસ ભાડુ લઇ મકાનો ભાડે આપવાની દરખાસ્ત કરાયેલ હતી. તે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડે મંજુર રાખીને દરખાસ્ત મંજુર કરી આપેલ છે. તે ખૂબ જ આવકારદાયક બાબત છે.

ઘર વિહોણા લોકોનું ઘરનું ઘર ન હોય ઓફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પલેક્ષ અંતર્ગત રૂ.૩૦૦૦/ પ્રતિ માસનું ભાડુ લઇને ફાળવવાની દરખાસ્ત મંજુર કરેલ છે. જે આવકારદાયક છે. શહેરના સામાજીક કાર્યકર ગોવિંદભાઇ નાનજીભાઇ સોલંકી, ચેરમેનશ્રી સ્ટેન્ડીંગ કમીટીને અભિનંદન અને ધન્યવાદ પાઠવેલ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક સહાય તેમજ ઘરનું ઘર મળશે. ગુજરાત સરકારશ્રીના સંવેદનશીલ સરકાર અને વિકાસની યાત્રા આગળ ધપશે તેમ કહીને સામાજીક કાર્યકર ગોવિંદભાઇ સોલંકીએ ચેરમેનશ્રીનો આભાર વ્યકત કરેલ છે.

(3:12 pm IST)