Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

મગફળીનું ગામડાઓમાં રજીસ્ટ્રેશન ન થતા તાલુકા મથકો ઉપર ખેડૂતો ઉમટયા : ટોળેટોળાઃ હવે મંડળી દ્વારા રજીસ્ટ્રેશન

ઓપરેટરોની હડતાલ નહીં ઉકેલાય તો તંત્ર રાજકોટ ડેરીની મંડળીઓમાં મગફળીનું રજીસ્ટ્રેશન કરશે : ગામડાઓમાં રાજકોટ ક્ષેત્રમાં માત્ર ર૯ની નોંધણીઃ સૌથી વધુ ગીર સોમનાથ જીલ્લામાં ર૭૬ નોંધાયા...

રાજકોટ તા. ૧: આજથી રાજયભરમાં મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે, પરંતુ કોમ્પ્યુટર ઓપરેટરો પોતાના પડતર પ્રશ્નો અંગે હડતાલ ઉપર ઉતરી જતા ગામડાઓમાં પંચાયત ખાતે ખેડૂતોનું રજીસ્ટ્રેશન નહિં થતા ગામડાના ખેડૂતોએ તાલુકાની યાર્ડો ઉપર બપોર સુધીમાં ધસારો કરી મુકતા, ઉમટી પડતા ૪ થી પ યાર્ડ ખાતે ખેડૂતોના ટોળેટોળા જામ્યા હતા, જે તે પ્રાંત-મામલતદારોને દોડવું પડયું હતું, પોલીસનો બંદોબસ્ત મુકાયો હતો.

દરમિયાન એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે લગભગ ઓપરેટરોનો પ્રશ્ન પતી જશે, નીતિ વિષયક નિર્ણય છે તે સરકારની સુચના મુજબ કાર્યવાહી કરાશે, ઓપરેટરોના બાકી નાણા ૧ થી ર દિવસમાં આપી દેવાશે, ગ્રાંટ પણ મંજુર થઇ ગઇ છે.

તેમણે જણાવેલ કે જો પ્રશ્ન હલ નહિં થાય તો અમે રાજકોટ ડેરીની મદદ લઇશું, ડેરીની જીલ્લામાં આવેલ ૪૯ર જેટલી મંડળીઓ ઉપર લોંગઇન કરાવી-પાસવર્ડ આપી મગફળીનું રજીસ્ટ્રેશન ગામડાઓમાં કરાશે, ખેડૂતોને કોઇ મુશ્કેલી નહિં પડે, તેમણે NIC ના અધીકારી શ્રી ધંધુકીયાને બોલાવી-ગાંધીનગર કોન્ટેક કરી યુઝર આઇડી મેળવી ગ્રામ્ય ક્ષેત્રમાં મગફળીનું રજીસ્ટ્રેશન અંગે કાર્યવાહી કરવા પણ સુચના આપી હતી.આજે ગામડાઓમાં જે ખેડૂતો આવ્યા તેમની પાસેથી ડોકયુમેન્ટ લઇ લેવાયા છે, બપોર સુધીમાં રાજકોટ જીલ્લામાં-ર૯, બનાસ કાંઠા-૧૯, સાબરકાંઠા-૪૬, ગીર સોમનાથ સૌથી વધુ-ર૭૬, મોરબી-૮૭નું રજીસ્ટ્રેશન ગામડાઓમાં થયું છે, ગ્રામ્ય કક્ષાએ તલાટીઓને પણ ઝડપથી કાર્યવાહી કરવા સુચના અપાઇ છે.

(3:47 pm IST)