Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સ્વૈચ્છીક રકતદાન એ ઉમદા માનવ ધર્મ

૧૮ થી ૬૦ વર્ષના કોઈપણ વ્યકિત જેનું વજન ૪૫ કિલોથી વધુ અને હિમોગ્લોબિન ૧૨.૫ ગ્રામ કે તેથી વધુ હોય તે રકતદાન કરી શકે

દર વર્ષે ૧ ઓકટોબરનો દિવસ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે સલામત રકત અને રકત ઉત્પાદનો પ્રત્યે જાગૃતી લાવવા અને અન્યોના જીવન બચાવવા માટે સ્વૈચ્છિક રકતદાન કરનાર રકતદાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરવામાં આવે છે. સમયસર સલામત રકત અને રકત ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા મુદ્દે વધુ જાગૃતી પેદા કરાવવામાં તમામ દેશો માટે આવશ્યક છે.

વિશ્વના અનેક દેશોમાં સલામત અને પુરતા પ્રમાણમાં રકત ઉપલબ્ધ નથી હોતું તે મોટો પડકાર છે અને યોગ્ય તથા સલામત પધ્ધતિથી રકત અને રકત ઉત્પાદનો ચડવવામાં પણ આવતા નથી હોતા. ઉંમર ૧૮ થી ૬૦ વર્ષના કોઈપણ વ્યકિત કે જેનુ વજન ૪૫ કિલો કે તેથી વધુ તેમજ હિમોગ્લોબિન ૧૨.૫ ગ્રામ કે તેથી વધુ હોય તે દર્દી નારાયણ, દરીદ્ર નારાયણ, થેલેસેમીયા પીડીત બાળકોનું જીવન બચાવવા સ્વૈચ્છિક રકતદાન કરી શકે છે.

રકતદાન કરનાર રકતદાતાઓ પોતાનું બ્લડ ગ્રુપ જાણી શકે છે. તેમજ એઈડઝ, 'બી' પ્રકારનો કમળો, વી.ડી.આર.એલ.,  'સી' પ્રકારનો કમળો, મલેરીયા વગેરે પ્રકારના ટેસ્ટ વિનામૂલ્યે થઈ જાય છે. સ્વૈચ્છિક રકતદાનએ ઉમદા માનવધર્મ છે અને સ્વૈચ્છિક રકતદાન કરવાથી અનેરો આત્મસંતોષ પ્રાપ્ત થાય છે. રકતદાન કરનાર સ્ત્રીઓ માસિક ધર્મમાં ન હોવી જોઈએ. રકતદાતાઓને કોઈ રોગની દવાઓ ચાલતી ન હોવી જોઈએ.

મેલેરીયા, ન્યુમોનીયા અથવા તાવના દર્દીઓએ થોડા સમય રકતદાન કરવું હિતાવહ નથી. સામાન્ય સંજોગોમાં એકવાર રકતદાન કર્યા પછી ત્રણ માસ સુધી ફરી રકતદાન કરવું જોઈએ નહિં. સામાન્ય પણે ત્રણ મહિને એક વખત કરવામાં આવતા રકતદાન સમયે ૩૦૦ થી ૪૫૦ મિલીનો જથ્થો લેવામાં આવે છે. રકતદાન વેળા લેવાયેલો રકતનો જથ્થો માત્ર ૪૮ કલાકમાં શરીરમાં પુનઃ નીર્માણ પામે છે, જયારે રકતકોશિકા ૨૧ દિવસમાં જ તૈયાર થઈ જાય છે.

જીવન- મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા કોઈ રકતની જરૂરીયાતવાળા દર્દીઓ માટે તેમને જીવનદાન બક્ષવા માટે આપણે સૌએ સ્વેચ્છાએ કરવું જોઈએ. રકતદાન આજનું તમારૂ રકતદાન કોઈકના જીવનદાન માટે. કદાચકાલે તમને અને તમારા સ્નેહી સંબંધીને પણ તેની જરૂર નહિ પડે તેની શી ખાતરી? રકતદાનએ નવા જમાનાની નવી જવાબદારી છે, આપણે સૌએ સ્વૈછાએ સ્વીકારેલો સામાજીક વેરો છે. રકતદાન કરવાથી કોઈ માડીનો જાયો, કોઈ બહેનનો વીર, કોઈના  સેંથીનું સિંદુર, ભાઈ- બહેન, કોઈના વડીલ માતા- પિતા કે પછી થેલેસેમીયા પીડિત બાળકોની જીવનદોરી અવશ્ય બચી શકે છે. આપનું રકત, કોઈની જીંદગી, રકતદાન- જીવનદાન

સંકલનઃ અનુપમ દોશી (મો.૯૪૨૮૨ ૩૩૭૯૬)

મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)

(3:49 pm IST)