Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

વિંછીયા પાસે રોઝડા સાથે બાઇક ટકરાતા ગુંદાળાના નાનજીભાઇ કોળીનું મોતઃ એકને ઇજા

ત્રણ પુત્રીઓએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં અરેરાટીઃ પાછળ બેઠેલ દિનેશભાઇને ઇજા

રાજકોટ તા. ૧ :.. વિંછીયાના ખડકાણા ગામ પાસે ડબલ સ્વારી બાઇક રોઝડા સાથે ટકરાતા બાઇક ચાલક ગુંદાળાના કોળી પ્રૌઢનું મોત નિપજયું હતું જયારે બાઇક ચાલકને ઇજા થઇ હતી.

મળતી વિગતો મુજબ વિંછીયના ગુંદાળા ગામે રહેતા નાનજીભાઇ હરજીભાઇ કોળી તથા દિનેશભાઇ રવજીભાઇ કોળી પ્લેટીના બાઇક નં. જીજે-૩-ડીએમ ૯૩૩૭ ઉપર વિરનગર જતા હતા ત્યારે વિંછીયાના ખડકાણા ગામ પાસે રોડ ઉપર આડે ઉતરેલ રોઝડા સાથે બાઇક ટકરાતા બાઇક ચાલક નાનજીભાઇ કોળી રોડ ઉપર પટકાતા માથામાં ગંભીર ઇજા થતા સારવાર અર્થે વિંછીયા હોસ્પીટલમાં ખસેડાયા હતા જયાં તેનું મોત નિપજયું હતું જયારે બાઇક પાછળ બેઠેલ દિનેશભઇને પણ ઇજા થઇ હતી.

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત દિનેશભાઇ કોળીની ફરીયાદ ઉપરથી વિંછીયા પોલીસે મૃતક નાનજીભાઇ કોળી સામે ગુન્હો દાખલ કર્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર નાનજીભાઇ કોળીને સંતાનમં ત્રણ પુત્રી છે જેના લગ્ન થઇ ગયા છે. ત્રણ પુત્રીઓએ પિતાની છત્રછાંયા ગુમાવતા કોળી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(12:45 pm IST)