Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

રમણ, મૌનાંગ સહિત ચાર જણાએ રિવિઝન અરજી કરી

પહેલી સપ્ટેમ્બરના રોજ સુનાવણી થશે : આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલા કેમેરા, પરણિતાની પાસે કરાવેલી એફીડેવીટ સહિતના દસ્તાવેજો અંગે તપાસ

અમદાવાદ,તા.૩૧ : પુત્રવધુના હત્યાના પ્રયાસ અને માનસિક હેરાનગતિના કેસમાં પોપ્યુલર બિલ્ડર્સના રમણ મૌનાંગ, દશરથ અને વિરેન્દ્ર પટેલ સામે વધુ છ દિવસના રિમાન્ડ મેળવવા કરેલ અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવ્યા બાદ આજે રાજ્ય સરકારે કોર્ટમાં રીવીઝન અરજી આરોપીઓના રીમાન્ડ મેળવવા માટે કરી છે. જેની સુનાવણી તા. ૧લી સપ્ટેમ્બર રોજ થશે. ગ્રામ્ય કોર્ટના મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ રીવીઝન અરજી કરીને દાદ માંગી છે કે આરોપીઓ સામે ગંભીર આરોપો છે જેની તપાસ કરવા માટે આરોપીના રીમાન્ડ મેળવવા જરૃર છે. આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલ કેમેરા, પરણિતાની પાસે કરાવેલા એફીડેવીયે સહિતના દસ્તાવેજો અંગેની તપાસ કરવાની છે. આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ ગુજરાત તથા રાજસ્થાનમાં નાસી ગયા હતા

                      ત્યાં આરોપીઓને સાથે રાખીને તપાસ કરવાની છે. આરોપીઓ સાથે ગુનો આચરવામાં સામેલ લોકો કોણ કોણ હતા તેની માહિતી મેળવીને ધરપકડ કરવાની છે જે આરોપીઓના એક દિવસના રીમાન્ડ  દરમિયાન પુરી તપાસ થઈ શકી નથી. જેથી આરોપીઓના પોલીસ કસ્ટડીમાં હાજરી હોય તો પુરા તપાસ કરી શકાય. મૌનાંગ પટેલની પત્ની ફીઝુ તેના પતિ, સસરા રમણ પટેલ, સાસુ અને તેના પિતા મુકેશ પટેલ સામે માનસિક અને શારીરિક હેરાનગતિની પોલીસ ફરિયાદ નોંધાવેલી છે. આ પછી પોલીસે હત્યાનો પ્રયાસ, અપહરણ સહિત વિવિધ કલમો ઉમેરેલી છે. આ કેસમાં પોલીસ ફરિયાદ બાદ ચારેય આરોપી નાસતા ફરતા હતા જે બે દિવસ પહેલા હાજર થતા પોલીસે રિમાન્ડ માંગ્યા હતા.

(9:26 pm IST)