Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સુરતની મજુર પરિવારની બે લાપત્તા બાળકીઓને ગણત્રીની કલાકોમાં જ પોલીસે શોધી કાઢી

માલદાર-વગદારના જ કામ પોલીસ રસથી કરે છે તેવો ભ્રમ ભાંગતા અજયકુમાર તોમર : ચુનંદા અધિકારી-સ્ટાફની ૧૫ ટીમોને દોડતી કરી : ૬૪ મસ્જીદોમાંથી એલાન કરાવ્યું : તુર્ત બેનર બનાવી રીક્ષાઓ ફેરવી : એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા-ડીસીપી વિધી ચૌધરી-ક્રાઇમ બ્રાન્ચ એસીપી આર.આર.સરવૈયા તથા મદદનીશ પોલીસ કમિશ્નર જયકુમાર પંડયાની આગેવાની હેઠળ ૭૫થી વધુ પોલીસ સ્ટાફે ખુણેખુણા ચકાસેલાઃ રસપ્રદ કથા : પોલીસ કમિશ્નરનું સ્વપ્ન સાકાર : તમામ પોલીસ મથકોએ ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્નરનું કાર્યને આખરી ઓપ અપાય છે

રાજકોટ, તા., ૧: સામાન્ય રીતે પોલીસ વિષે પ્રજાના મનમાં એવી ખોટી છાપ પ્રવર્તી હોય છે કે પોલીસ સાતેય કામ પડતા મુકી  તો જ દોડધામ કરે જો સબંધક વ્યકિત કે પરિવાર માલદાર હોય અથવા તો તમામ પ્રકારે વગદાર હોય, આવી માન્યતાનો ભુક્કો બોલાવતી એક પ્રેરણાદાયક ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય મજુરી કામ કરતા પરિવારની બે બાળકીઓ ગૂમ થયા બાદ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે ફકત  સાત કલાકમાં જ જો કે ખરી રીતે બે જ કલાક કહી શકાય તેવા સમયમાં ૭૫ થી વધારે પોલીસ સ્ટાફ કે જેમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી સહીતના સ્ટાફને કામે લગાડી શોધી કાઢી હતી.

૪ વર્ષની બાળકી સોનમ અને પાંચ વર્ષની અન્ય એક બાળકી રાની સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી રમતા-રમતા ગૂમ થતા માતા-પિતાના જીવ ઉંચક થઇ ગયા. એ વિસ્તારના અન્ય મજુરી કામ કરતા લોકો પણ શોધખોળમાં જોડાયા પરંતુ બાળકીનો કોઇ પતો ન લાગ્યો.

સામાન્ય પરીવારના લોકોએ પોલીસને જાણ કરવા સાથે કોઇએ આ પરિવારોને એવુ સુચવ્યું કે તમે તોમર સાહેબને ફોન કરો તો તુર્ત જ પોલીસના ધાડા ઉતારી દેશે. પાંચ જગ્યાએ પુછી પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરનો નંબર મેળવી માતા-પિતાએ રડતા-રડતા સમગ્ર હકીકત વર્ણવતા પોલીસ કમિશ્નરે એ બાળકીના માતા-પિતાને ખાત્રી આપી કે સાંજ સુધીમાં તમારી બાળકીઓ તમારી પાસે હશે.

પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર. મુલીયાણાની આગેવાની હેઠળની ૧૫ જેટલી ટીમો બનાવી આ ટીમો જુદી જુદી જગ્યાએ કાર્યરત થઇ. ૬૪ જેટલી મસ્જીદોમાંથી પણ બાળકી ગૂમ થયાનું એલાન કરવા સાથે તાત્કાલીક બેનરો બનાવી રીક્ષાચાલકોને કામે લગાડયા. આમ પોલીસની ખરા અર્થની મહેનત ફળી અને બંન્ને બાળકી જે લાપત્તા હતી તે બાળાઓ પોતાની પાસે સહી સલામત હોવાનું એક મહિલાએ પોલીસને જાણ કરી  પોલીસને સુપ્રત કરી દીધી. પોલીસની ૧૫ જેટલી ટીમોની આગેવાનીમાં ડીસીપી વીધી ચૌધરી, ક્રાઇમ બ્રાન્ચ એસીપી સરવૈયા, એસીપી જયકુમાર પંડયા વિગેરેએ લીધી હતી. લાપત્તા બાળકીને સચિન જીઆઇડીસી પોલીસ મથકે લાવી પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના સ્વપ્નસમી ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર અર્થાત તમામ પોલીસ મથકોમાં મહિલાઓ જયારે ફરીયાદ માટે જાય ત્યારે સાથેના બાળકને હેરાનગતી ન થાય તે માટે ખાસ પ્રકારના બાળકો માટેના રમકડાવાળા રૂમમાં રાખવામાં આવતા બાળકીઓ પણ ખુશખુશાલ બની હતી. પોલીસ ઓફીસરો પણ તેમની સાથે નાના બાળક બની રમવા લાગતા અનોખા દ્રશ્યો સર્જાયા હતા.

સચિન જીઆઇડીસી વિસ્તારના મજુર પરીવારની બાળકીના માતા-પિતા તથા આ વિસ્તારના સંખ્યાબંધ લોકો પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરને મળી 'તમે અમારી બાળકીઓ માટે દેવદુત  બન્યા' એવંુ ચોધાર આંસુએ રડતા રડતા હર્ષના આંસુ સાથે જણાવતા અજયકુમાર તોમરે મેં તો માત્ર મારી ફરજ બજાવી છે તેમ કહી આ પરીવારો માટે ચા-પાણીની વ્યવસ્થા પણ કરાવી હતી.  અકિલા સાથેની વાતચીતમાં પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જણાવેલ કે બાળકીઓ મળ્યાનો મને ખુબ જ સંતોષ થયો,  આ બધુ સમગ્ર ટીમવર્ક અને અધિકારીઓ તથા સ્ટાફની જહેમતને કારણે શકય બન્યું છે. તેઓએ વિશેષમાં જણાવેલ કે સુરતમાં દરેક પોલીસ મથકે ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર બનાવાઇ રહયા છે. આ કાર્ય ગતીમાં છે. બાળકો માટે ખાસ રમકડા સાથેનો રૂમ રહે અને તેમાં ઘોડીયા પણ રહે તેવી વ્યવસ્થા તેઓએ કરાવી છે.

(1:07 pm IST)