Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

૬ આરોપી પોલીસકર્મીનું સીઆઇડી સમક્ષ સરેન્ડર

વડોદરા કસ્ડોડિયલ ડેથમાં ફરાર હતા : ૧૦ ડિસેમ્બર ૨૦૧૯એ વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં કસ્ટડિયલ ટોર્ચરની ડેથની ઘટના બની હતી

અમદાવાદ,તા. : ચોરીના ગુનામાં તેલંગાણાના ૬૨ વર્ષના વ્યક્તિને પકડીને ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ટોર્ચર બાદ હત્યા કરીને તમામ પૂરાવાઓ નષ્ટ કરવાના આરોપી વડોદરાના પોલીસકર્મીઓ સોમવારે સીઆઈડી ક્રાઈમ સમક્ષ હાજર થયા હતા. સીઆઈડી ક્રાઈમ ના તપાસ અધિકારી એસપી ગિરીશ પંડ્યાએ કહ્યું કે, આરોપી પોલીસકર્મીઓની ઓળખ પોલીસ ઈન્સ્પેક્ટર ડીબી ગોહિલ, સબ-ઈન્સ્પેક્ટર ડીએમ રબારી અને લોકરક્ષક દળના જવાન પંકજ માવજીભાઈ, યોગેન્દ્ર જિલનસિંહ, રાજીવ સવજીભાઈ અને હિતેશ શંભુભાઈ થઈ છે અને તમામે આત્મસમર્પણ કર્યું છે. તેમને કોરોનાના ટેસ્ટ માટે મોકલાયા છે. ૧૦ ડિસેમ્બર ૨૦૧૯એ વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં કસ્ટડિયલ ટોર્ચરની ઘટના બની હતી.

           જેમાં જુલાઈની રાત્રે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એસજી ગોહિલ દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. આરોપી પોલીસકર્મીઓએ તેલંગાણાના બાબુ શેખને ચોરીમાં સંડોવણી હોવાની શંકાએ ઉઠાવી લીધો હતો અને પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાં તેને ટોર્ચર કર્યો હતો. જેના કારણે તેનું મોત થઈ ગયું. એફઆઈઆર મુજબ, આરોપી પોલીસકર્મીઓએ મૃતકના મૃતદેહને અજાણી જગ્યાએ ફેંકી દીધો હતો. આરોપીએ જાતે પોલીસ સ્ટેશનની ડાયરીમાં એન્ટ્રી કરીને લખ્યું હતું કે, શેખ પ્રાથમિક પૂછપરછ બાદ જાતે પોલીસ સ્ટેશનમાંથી ચાલીને બહાર ગયો હતો.

 એફઆઈઆર મુજબ, શેખના સંબંધી દ્વારા ૧લી જાન્યુઆરીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવાઈ હતી. છાની વિસ્તારના એક રહેવાસીની ચોરીની ફરિયાદને પગલે પોલીસ તેને ઉઠાવી ગઈ હતી. આરોપી પોલીસકર્મીઓએ ખોટી એન્ટ્રી પાડીને શેખને તે દિવસે જવા દીધો હતો તેમ જણાવ્યું. તેમણે ચોરીની ફરિયાદની સોફ્ટ કોપી પણ ડિલીટ કરી દીધી હતી. બાદમાં તે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાકેશ રાઠવા જ્યારે પોતાના સીનિયર અધિકારીઓને વાત જણાવી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.

(7:35 pm IST)