Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ગુજરાત બાર.કાઉન્સીલના નવા સુકાનીઓની વરણી ચેરમેનપદે કિરીટભાઇ બારોટઃ વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહિલ

વિવિધ કમિટીમાં ભરત ભગત, હિરાભાઇ પટેલ, કિશોરભાઇ ત્રિવેદી વિગેરેની નિમણુંક

અમદાવાદ, તા.૭: વકીલોની માતૃસંસ્થા ગણાતી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં આ વર્ષે પણ ભાજપ પ્રેરિત સમરસ પેનલનો ભવ્ય વિજય થયો છે. કાઉન્સિલના ચેરમેનપદે આ વખતે એડવોકેટ કિરીટ એ.બારોટ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. જયારે શંકરસિંહ એસ.ગોહિલ વાઇસ ચેરમેનપદે અને એકિઝકયુટિવ કમિટીના ચેરમેન તરીકે ભરત ભગત બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. આ સાથે જ ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમ જ બાર કાઉન્સિલની મહત્વની કમિટીઓમાં ભાજપે સત્તાનું સુકાન જાળવી રાખ્યું છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટાયેલા ૨૫ સભ્ય પૈકી ભાજપ પાસે ૨૦ હતા. જયારે પ સભ્ય કોંગ્રેસના હતા. આજે સવારે ચૂંટણીમાં તમામ ઉમેદવારો વોટિંગ કરવા પહોંચી ગયા હતા. જેમાં ૨૦૨૦-૨૧ માટે એનરોલમેન્ટ કમિટીના ચેરમેનપદે હીરાભાઇ પટેલ, ફાઇનાન્સ કમિટીના ચેરમને તીરકે કિશોરકુમાર ત્રિવેદી, રૂલ્સ કમિટીના ચેરમેન પદે અનિરૂદ્વસિંહ ઝાલા, જીએલએચ કમિટીના ચેરમેન તરીકે પ્રવીણ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત બાર કાઉન્સિલમાં જુદી જુદી ૧૬ શિસ્ત કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં એડવોકેટ અનિલ કેલ્લાની ચેરમને તરીકે વરણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, દર વર્ષે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ થાય તેવી શકયતા હોવાથી ભાજપ લિગલ સેલ પોતાના સભ્યોને લઇ બે દિવસ અજ્ઞાત સ્થળે જતા રહે છે અને તેઓ આજે (ચૂંટણીના દિવસે) જ પરત આવે છે. જો કે, આ વર્ષે કોરોનાના કહેરના કારણે એક પણ સભ્ય બહાર ગયા ન હતા.

(9:56 am IST)