Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ગુજરાતના દરિયા કાંઠાની સુરક્ષા કરાશે વધુ મજબૂત

સંયુકત પેટ્રોલીંગ શરૃઃ દેશનો સૌથી વધારે ૧૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે ગુજરાતમાં

અમદાવાદ તા. ર૭ :.. ગુજરાતના ૧૬૦૦ કિ. મી. લાંબા દરિયા કિનારાની સુરક્ષા હવે વધુ મજબૂત બનશે. ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાતની મરીન પોલીસે હાલમાં જ સંયુકત પેટ્રોલીંગ શરૂ કર્યુ છે. તેનાથી બન્ને એજન્સીઓ વચ્ચે સંયોજન રહેશે. દેશમાં સૌથી વધારે લાંબી દરિયાઇ સીમા ગુજરાતની છે. અને ગુજરાતનો દરિયા કાંઠો સંવેદનશીલ પણ ગણાય છે.

કોસ્ટગાર્ડ સાથે સંયુકત પેટ્રોલીંગથી મરીન પોલીસ પોતાના પરિચાલનમાં વધારો કરી શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સંયુકત પેટ્રોલીંગ શરૂ કરવા માટે રાજય સરકારને ઘણા દિશા નિર્દેશો અપાયા હતાં. સંયુકત પેટ્રોલીંગ હેઠળ કોસ્ટ ગાર્ડન જહાજો પર રાજયની મરીન પોલિસના કર્મચારીઓ તહેનાત રહેશે. આ પોલીસ કર્મચારીઓ દરિયાની પરિસ્થિતિથી બહુ વાકેફ નથી હોતાં. એટલે આ પોલીસ કર્મચારીઓને દરિયાઇ સુરક્ષાની મજબુતી માટે ટ્રેનીંગ પણ અપાશે. આના માટે કોસ્ટ ગાર્ડે સંયુકત દરિયાઇ પેટ્રોલીંગની રચના કરી છે. જે દરિયાઇ સુરક્ષા યોજનામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેનાથી મરીન પોલીસની કાર્ય ક્ષમતામાં વધારો થશે.

સંયુકત પેટ્રોલીંગથી સંચાર, આંતર પરિચાલનીય અને સંયુકત તપાસ પ્રક્રિયાને સમજવામાં સરળતા થશે. તેમાં કલાસ રૂમ પ્રશિક્ષણ ઉપરાંત ભારતીય કોસ્ટગાર્ડના જહાજો પર કામની ટ્રેનીંગ પણ સામેલ છે. કોસ્ટ ગાર્ડ મરીન પોલીસને સુરક્ષા, નેવિગેશન, મેઇન્ટેનન્સ, કાયદાનું અમલીકરણ, ચોકીદારી અને પોતાના અધિકાર હેઠળ સમુદ્રમાં તપાસ અંગેની માહિતી ઉપલબ્ધ કરાવશે. તેનો ઉદેશ મરીન પોલીસની દરિયાઇ સુરક્ષા પ્રત્યેની વર્તમાન ક્ષમતામાં વધારો કરવાનો છે.

(3:03 pm IST)