Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટયા પણ મૃત્યુઆંક ઊંચો

પશ્ચિમ બંગાળમાં ૧.૩પ લાખથી વધુ કેસ છતાં ગુજરાત કરતા મૃત્યુઆંક ઓછો

નવી દિલ્હી તા. ર૭: ગુજરાતમાં આગામી ૮-૧૦ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા વધીને એક લાખને પાર થઇ જાય તેવી શકયતા વચ્ચે સરકારી ચોપડે તો કોરોનાના કેસ દેશનાં અન્ય રાજયની તુલનામાં ઘટી રહ્યા છે, પરંતુ રાજયમાં કોરોના દર્દીનો મૃત્યુઆંક ઊંચો હોઇ આ બાબત ચિંતાજનક છે.

ગઇ કાલે રાજયમાં કોરોનાના નવા ૧૧૯૭ કેસ નોંધાતાં કોરોનાના કુલ ૯૦,૧૩૯ કેસ થયા છે. આ ઉપરાંત વધુ ૧૦૪૭ દર્દીને ડિસ્ચાર્જ કરાતાં સાજ થયેલા દર્દીની સંખ્યા કુલ ૭ર,૩૦૮ થઇ છે, જેના કારણે રાજયમાં કોરોનાનો રિકવરી રેટ ૮૦.રર ટકાએ પહોંચ્યો છે.

જોકે મૃત્યુઆંકના મામલે રાજયની સ્થિતિ દેશના પશ્ચિમ બંગાળ જેવા અન્ય રાજયની તુલનામાં સંતોષજનક નથી. પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસનો આંકડો એક લાખને પાર કરીને ૧.૩પ લાખથી વધુ નોંધાયો છે, પરંતુ આ રાજયમાં ગત તા. ર૩ ઓગસ્ટની સ્થિતિએ ર૭૩૭ મૃત્યુ સામે ગુજરાતમાં ર૮૪૭ મૃત્યુ થયાં હતાં.

ગુજરાતમાં કોરોનાના મૃત્યુદરની સરેરાશ પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચી છે. દેશમાં મૃત્યુ દર ઘટીને ૧.૮ ટકા થયો છે તેની સામે ગુજરાતમાં મૃત્યુ દર હજુ ર.૭ ટકા છે, જોકે બે મહિના પહેલાં મૃત્યુ દર ૩.૩ ટકા હતો, જેમાં થોડોક ઘટાડો થયો છે, પરંતુ ગુજરાત કરતાં મધ્ય પ્રદેશમાં ર.૦ ટકા, પશ્ચિમ બંગાળમાં ૧.૯ ટકા, યુપીમાં ૧.૬ ટકા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ૧.૪ ટકા જેટલો નીચો છે.

(3:03 pm IST)