Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ગુજરાતના ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા શ્રમિકોની જોવાઈ રહી છે રાહ

દિવાળી પહેલા સ્થિતિ સામાન્ય થવાની આશા : લગ્નની સીઝન ખુલે તો હજારો બેરોજગારોને રોજગારી મળી શકે તેમ છે ટેકસ્ટાઇલ સાથે ડેકોરેશનના ધંધા પણ ઠપ્પ

રાજકોટ,તા.૨૭ : લોકડાઉન પછી દેશની કેટલીક પરિસ્થિતિ બદલી ગઈ છે જેમાંથી કાપડ બજારમાં વર્ષો પછી ક્રિએશન ઉપર ભાર મુકવામા આવશે. અત્યારે સાડી ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે  પણ દિવાળી સમય સુધીમાં વેપાર સેટ થઇ જશે તેવી આશા સેવાય રહી છે. આવનારા સમયમાં લગ્નની ખરીદી પણ દેખાવા લાગશે. અનલોક ૪ની રાહ જોવાઈ રહી છે ત્યારે જો સરકાર નિયમોમાં થોડી છૂટછાટ વધુ આપે તો બજારમાં તેજીનો માહોલ જોવા મળી શકે છે અને એટલા લાંબા સમયથી જે ધંધા બંધ અથવા મૃતઃપ્રાય બની રહ્યા છે તેને નવજીવન મળી શકે છે. આશા છે કે લગ્ન સીઝન શરૂ થશે તો બંધ ધંધામાં ચહલ પહલ થવાની આશા છે. અનલોક ૧ પછી ભલે થોડી રાહત મળી હતી પરંતુ ધંધા રોજગારીમાં હજુ પણ લોકડાઉનની સ્થિતિ જોવાય છે. બજારની મંદી આખરે દેશના અર્થતંત્રને અસર કરે જ છે. દશના અર્થતંત્રને જો ફરી પાછું ચાલતું કરવું હશે તો સરકારે અનેક રીતે વિચારણા કરીને પ્રજાજોગ અને અર્થતંત્ર બન્નેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડશે.

લગ્નના આયોજનની સાથે જોડાયેલા વેપારી જણાવે છે કે જો લગ્નના આયોજનોને છૂટછાટ આપવામાં આવશે તો તેની સાથે જોડાયેલા કાપડ ઉદ્યોગ, મંડપ ઉદ્યોગ, ડેકોરેશન ઉદ્યોગ, કેટરિંગ, વગેરે જેવા વેપાર ધંધા ફરી ચાલવા લાગશે તો તેનાથી હજારો લોકોને રોજગારી મળશે અને તેનાથી દેશની સ્થિતિ સુધારા પર આવી શકે છે.

સુરતના કાપડ બજારમાં અત્યાર સુધીની સ્થિતિના નિષ્ણાંતો જણાવે છે કે સૂરતની બજાર આ રીતે સુની વર્ષો બાદ જોવા મળી રહી છે એવામાં ક્રિએશનની ડિમાન્ડ વધશે તેવી આશા પણ છે. હાલમાં સાડી અને કાપડ બજારમાં મંદી જોવાઈ રહી છે ત્યારે વેપારીઓ કંઈક નવું આપવાની તૈયારી કરી રહ્યા છે જેના લીધે કાપડ બજારમાં નવા નવા ક્રિએશન જોવા મળશેમ લોકડાઉન દરમ્યાન લોકોએ ઘરમાં જ રહીને અનેક નવી વસ્તુઓની શોધ કરી છે તેવામાં કાપડ બજારમાં પણ હવે નવી નવી વેરાયટી, ડિઝાઈનો આવતા સમયમાં માર્કેટમાં જોવા મળી શકે છે. હાલમાં ગ્રાહકોનો ઓછો અવરો જવરો હોવાથી વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અનેક નવા ક્રિએશન કરવા માટે સજ્જ છે. (૨૫.૧૦)

સરકારની શું નિતી રહેશે

ટેકસ્ટાઇલ બજારમાં અત્યારે નવા નવા ક્રિએશન થવાની તૈયારી છે આઈડિયા છે પણ કાચામાલની અછત ક્રિએશન માટે ગ્રહણ બની શકે છે. ગ્રાહકોની ડિમાન્ડની સામે ઉદ્યોગો પહોંચી શકે તેટલો કાચોમાલ પણ હોવો જરૂરી છે. ધંધામાં સંતુલન લાવવા માટે સરકાર પાસેથી પણ આશા રખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન સમયે શ્રમિકોને તેમના વતન મોકલવા માટે જે રીતે સરકાર આગળ આવી હતી તેવી જ રીતે હવે સરકારે તે શ્રમિકોને પાછા લાવવા માટેની કામગીરી પણ કરવી પડશેમ હાલના સમયે કાચામાલની અછત સાથે શ્રમિકોની અછત પણ ઉદ્યોગોને અસર કરી કરી રહી છે. ટેકસ્ટાઇલ ઉદ્યોગ જ નહી પણ ગુજરાતના અનેક એવા ઉદ્યોગો શ્રમિકોના કારણે ઠપ્પ થયેલા પડ્યા છે.

આ વર્ષના અંતમાં સિઝન ખુલશે?

 આ વર્ષે શરૂઆતના સમયમાં લગ્નોની તારીખ હતી ત્યારે થયા પણ વર્ષની શરૂઆતમાં જ મહામારી આવી જતા લગ્ન જેવા મેળાવડા બંધ રહ્યા હતા. અત્યારે લોકો લગ્ન કરે છે તે પણ સાદાઈથી કરી રહ્યા છે તેવામાં લગ્ન સાથે જોડાયેલા ધંધા અત્યારે બંધ પડ્યા છે. આ વર્ષે ડિસેમ્બર પછી લગ્નની તારીખો નથી તેવા સમાચારને પગલે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નોની સીઝન વધુ સક્રિય બને તેવી આશા છે. લોકડાઉનના લીધે અટકી પડેલા લગ્નનું આયોજન ફરીથી થશે. વર્ષની શરૂઆત ભલે નબળી રહી પણ વર્ષના અંતભાગમાં સીઝન ખુલવાની તૈયારી અત્યારથી જ જોવાય છે. અનલોક ૩ બાદ બજારમાં ધીમે ધીમે હવે માહોલ જોવા મળી રહ્યો છે.

(4:01 pm IST)