Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

દેશમા માત્ર કોરોનાના ૫૦૦ કેશ હતા ત્યારે લોકડાઉન જાહેર કર્યુ અને હવે દેશમા કોરોના લાખો કેસ છે ત્યારે સરકાર દ્વારા NEET અને JEE ની પરીક્ષા યોજવાની જીદ કોઇ પણ સંજોગોમા વ્યાજબી નથી.

સરકાર દ્વારા NEET અને JEEની પરીક્ષા આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ : અમિત ચાવડા

અમદાવાદ : દેશભરમાં કોરોના મહામારીના વ્યાપક ફેલાવામાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા NEET અને JEE ની પરીક્ષા લેવાના મનસ્વી નિર્ણય સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડાએ વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગણીને સમર્થન કરવા સાથે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના- COVID 19 ના ૫૦૦ કેસ આવ્યા હતા ત્યારે સરકારે શાળા- કોલેજો બંધ કરાવી હતી અને પરીક્ષાઓ રદ્દ કરી હતી, જયારે આજે દેશમાં કોરોના- COVID 19 ના ૩૩ લાખ કરતા વધારે કેસો આવી ચુક્યા છે, મહામારીમાં કોરોના સંક્રમિતો ટપોટપ જીવ ગુમાવી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર JEE તથા NEET ની પરીક્ષા લેવા માટે જીદે ચડી છે.

દેશભરમાંથી વિદ્યાર્થીઓ- વાલીઓ આવા સંજોગોમાં પરીક્ષા લેવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, દેશના ૭ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત અને વિનંતી કરવામાં આવી છે, સુપ્રિમ કોર્ટમાં આ નિર્ણય સામે અરજી કરવામાં આવી છે તેમ છતાં કેન્દ્રની ભાજપ સરકાર કોઈની વાત માનવા તથા વ્યવહારિક દ્રષ્ટિકોણથી સમજવા તૈયાર નથી.

શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, "ગુજરાત રાજ્યમાં NEET માટે ૮૦ હજાર તથા JEE માટે ૩૮ હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશભરમાં ૨૬ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ, તેમની સાથે પરીક્ષા સ્થળે આવનારા વાલીઓ- પરિવારજનને કોરોના સંક્રમણનું જોખમ ઉભું થઇ શકે છે. આ ઉપરાંત તેમના ૧૦૦-૧૫૦ કિમીના ટ્રાન્સપોર્ટેશન, રહેવા- જમવાની વ્યવસ્થાના અભાવનો પ્રશ્ન છે ત્યારે આવા કપરા સંજોગોમાં કેન્દ્ર સરકાર જિદ્દ છોડી વિદ્યાર્થીઓ ની વાત સાંભળે.

સમગ્ર વિશ્વ જયારે કોરોનાના ભરડામાં છે, વિશ્વની ખ્યાતનામ તેવી ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સીટીએ પણ વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષાઓ રદ્દ કરી છે ત્યારે ભારત સરકાર કેમ દેશના લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો, સંકળાયેલા સ્ટાફના જીવ સાથે રમત કરી રહી છે. લોકડાઉનના સમયે મોટા ઉપાડે 'જાન હૈ તો જહાન હૈ' ની વાતો કરવામાં આવતી હતી તેનું શું થયું?"

શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, "મહામારીના ફેલાવાની વચ્ચે કેન્દ્ર સરકારના NEET, JEE પરીક્ષા લેવાના નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના ટેકામાં કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા દિલ્લી ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો NSUI ના આગેવાનો પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર પણ બેઠા છે.

આ અનુસંધાને ગુજરાત કોંગ્રેસ દ્વારા તા -28 ઓગસ્ટ 2020 શુક્રવાર ના રોજ રાજ્યમાં તમામ જિલ્લા મથકો અને શહેર ખાતે NSUI અને પક્ષના આગેવાનો- કાર્યકરો ધરણા - વિરોધ પ્રદર્શન કરશે તથા સરકાર સમક્ષ માંગ કરવામાં આવશે કે વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઉભું કરવામાં ના આવે, તેમના ભવિષ્ય સાથે રમત કરવામાં ના આવે અને NEET- JEE ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે.

(8:41 pm IST)