Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પેગોન્ગ લેક પાસેના ઘર્ષણ બાદ મોટા તણાવની આશંકા

પેન્ગોગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર બંને દેશો તરફથી સૈન્યની તૈનાતી વધારી દેવામાં આવી

શ્રીનગર/લદાખ, તા.૧: લદાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ ફરી વધી ગયો છે. ચીનના કાવતરાને નિષ્ફળ કરતાં ભારતીય સેનાએ પૈગાન્ગ લેકના દક્ષિણ હિસ્સામાં આવેલી એક મહત્વની ચોટી પર કબજો કરી લીધો. આ વ્યૂહાત્મક રીતે ઘણી અગત્યની માનવામાં આવે છે. અહીંથી ચીની સૈનિકો થોડાક મીટરના અંતરે છે. આ દરમિયાન ચીને સોમવાર સાંજે કહ્યું કે બંને દેશોની વચ્ચે સરહદ વિવાદને લઈ તણાવ વધવાનો ખતરો છે. ચીને ભારતના વલણને આક્રમક ગણાવ્યું છે. એવામાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈન્ય વૃદ્ઘિની આશંકા વધી ગઈ છે. આ નિવેદનો બાદ પૈન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર બંને દેશો તરફથી સૈન્યની તૈનાતી વધારી દેવામાં આવી છે.

ભારતીય સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ચીની સેનાની આ ઉશ્કેરનારી સૈન્ય કાર્યવાહી કરતાં પરસ્પર સહમતિનું ઉલ્લંઘન કર્યુ. આ ઘટનાક્રમ બાદ પૂર્વ લદાખ ક્ષેત્રમાં ભારત અને ચીનની વચ્ચે ન્ખ્ઘ્ પર ફરી તણાવની સ્થિતિ ઊભી થઈ છે. મે મહિનાથી જ આ વિસ્તારમાં ચીનના નાપાક ઈરાદાના કારણે તણાવ વધી ગયો છે અને ત્યાર ૫છી ત્રણ પોઇન્ટ્સ હોટ સ્પ્રિંગ્સ, ગલવાન વેલી અને પેન્ગોગ ત્સો, ઘર્ષણ અને કડક પેટ્રોલિંગના ક્ષેત્ર બની ગયા છે.

ઈન્ડિયન એકસપ્રેસના અહેવાલ મુજબ, પેન્ગોગ ત્સોના ઉત્તર કિનારા ખાતે ભારતીય સેના માત્ર પેટ્રોલિંગ કરે છે. તેનાથી વિપરીત દક્ષિણ કિનારામાં LACના ખૂબ નજીક ભારતીય સૈનિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી. ચીની સેના PLA ભારતીય તૈનાતી વિશે માહિતગાર છે. હાલ ચીન તરફથી કોઈ પણ ફેરફારનો પ્રયાસ નથી થયો. LAC ભારતીય ચોકીઓથી ૮ કિમી પશ્ચિમમાં સ્થિત છે.

(10:01 am IST)