Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

અનલોકમાં આર્થિક પ્રવૃત્તિઓ વધતા ઓગસ્ટમાં વીજ વપરાશ પણ વધ્યો

વીજળીનો કુલ વપરાશ 110.57 અબજ યુનિટ: ગયા વર્ષ કરતા 0.85 ટકા ઓછો

 

નવી દિલ્હી : આર્થિક પ્રવૃત્તિમાં વધારો થતાં વીજ વપરાશ લગભગ ઓગસ્ટમાં કોરોના પહેલાના સ્તરે પહોંચી ગયો છે. ગયા મહિને વીજળીનો કુલ વપરાશ 110.57 અબજ યુનિટ નોંધાયો હતો, જે ગયા વર્ષના સમાન મહિના કરતા માત્ર 0.85 ટકા ઓછો છે. મહિનામાં વિજ વપરાશ સામાન્ય સ્તરોથી ઉપર પહોંચવાની ધારણા છે. વીજ મંત્રાલયના આંકડા અનુસાર ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં વીજળીનો વપરાશ 111.52 અબજ યુનિટ નોંધાયો હતો.

ડેટા અનુસાર ખાસ કરીને સરકાર દ્વારા આર્થિક પ્રવૃત્તિઓમાં છૂટછાટ અને ભેજવાળા ઉનાળાના કારણે ઓગસ્ટ મહિનામાં વિજળીનો વપરાશ વધ્યો છે. કોરોના વાયરસ વધુ ફેલાય તે માટે સરકારે 25 માર્ચે 'લોકડાઉન' લાદ્યું હતું, જેના કારણે વાણિજ્યિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અસર પામતા વીજળીનો વપરાશ પણ ઘટ્યો હતો. જુલાઈમાં વીજ વપરાશના ઘટાડાનું અંતર ઘટી 3.6 ટકા પર આવી ગયું હતું. સમયગાળા દરમિયાન કુલ 112.24 યુનિટનો વીજ વપરાશ થયો હતો, તો એક વર્ષ અગાઉના જુલાઈ-2019માં 116.48 અબજ યુનિટ વીજ વપરાશ નોંધાયો હતો.

જૂનમાં વીજળીનો વપરાશ 10.93 ટકા ઘટીને 105.08 અબજ યુનિટ નોંધાયો છે, જે એક વર્ષ અગાઉના જૂન-2019માં 117.98 અબજ યુનિટ નોંધાયો હતો. મે અને એપ્રિલમાં વિજળીના વપરાશમાં અનુક્રમે 14.86 ટકા અને 23.21 ટકાનો ઘટાડો થયો છે.

(11:16 pm IST)