Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ગુનેગારો અને ગુન્હાખોરીનું આવી બનશે

ગુજરાતમાં અમલી બનશે યુપી જેવો ગુંડા કંટ્રોલ એકટ

પોલીસને મળશે અમર્યાદીત સત્તાઃ નવો કાયદો ચોમાસુ સત્રમાં રજુ કરાશે અથવા તો વટહુકમ અંતર્ગત અમલી બનાવાશે

નવી દિલ્હી, તા.૨૭: ગુજરાત સરકાર રાજયમાં ગુનાખોરી અને ગુનેગારોને કાબૂમાં લેવા માટે નવો કાયદો લાવવા માગે છે. આ કાયદો ઉત્તર પ્રદેશના કંટ્રોલ્સ ઓફ ગુન્ડાઝ એકટ સમાન હશે. સૂત્રો મુજબ સરકાર આ કાયદાને વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરી શકે છે અથવા તો અધ્યાદેશ લાવીને લાગુ કરી શકે છે. જોકે રાજયના ટોચના બ્યુરોક્રેટ્સ જેમાં IPS અધિકારીઓ પણ સામેલ છે તેઓ આ નવા સુચિત કાયદા સામે રેડ સિગ્નલ આપી રહ્યા છે. ટોચના અધિકારીઓનું માનવું છે કે પોલીસના હાથમાં અસિમિત સત્તા ધરાવતો કાયદો આપો દેવાથી તેનો ગેરઉપયોગ થઈ શકે છે.

સૂત્રો મુજબ માનવ તસ્કરી, ગૌવંશ હત્યા, નાણાંકીય છેતરપીંડી સહિતના ગુનાઓ, જાહેલ મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો, સરકારની વિરુદ્ઘ કોઈ સમાજને ભડકાવવો અથવા તેના જેવું કૃત્ય આવા ગુનાઓ આ સુચિત કાયદામાં જોડવામાં આવી શકે છે.

રાજયના ગૃહ અને કાયદા પ્રધાન પ્રદિપ સિંહ જાડેજાએ કહ્યું કે 'અમે હાલ પાસા એકટમાં સુધારા માટે અને નવા કંટ્રોલ ઓફ ગુંડાઝ એકટ અંગે ખૂબ જ ગંભીર રીતે વિચારણા કરી રહ્યા છે. પરંતુ હાલના તબક્કે કઈં કહેવું તે વધારે પડતું કહેવાશે.' તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો એક અહેવાલ જણાવે છે.

સરકારના ઉચ્ચ સુત્રોએ કહ્યું કે 'રાજયમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને મુખ્યમંત્રી અને રાજયની કેબિનેટે અધિકારીને નવો કાયદો અને સુધારીત કાયદો તેમજ અધ્યાદેશ માટેની જરુરી તૈયાર કરવા માટે જણાવ્યું છે. આપણે ત્યાં પણ નવો ગુંડા કંટ્રોલ એકટ હશે જે હાલ ઉત્તર પ્રદેશમાં લાગુ ગુંડા એકટ જેવો હોઈ શકે છે. આ કાયદાથી પોલીસ અને તપાસ એજન્સીઓ પાસે સત્તા આવશે કે તેઓ અસામાજીક તત્વો સામે પગલા લઈ શકશે. આ વિધાનસભામાં એક કાયદા તરીકે અથવા અધ્યાદેશ તરીકે રજુ કરવામાં આવી શકે છે.'

(10:01 am IST)