Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

MRPથી ૧૦ રૂપિયા વધારે લેનાર રેસ્ટોરાને બે લાખનો દંડ

છ વર્ષ જૂના કેસમાં અંતે રેસ્ટોરન્ટને દંડ કરાયો : મુંબઈની રેસ્ટોરન્ટમાંથી ફરિયાદીએ આઈસક્રિમનું પાર્ટી પેકેટ ખરીદ્યું હતું જેમાં રેસ્ટોરન્ટે સેવા પ્રદાન કરી નહતી

મુંબઈ, તા. ૨૭ : ૬ વર્ષ પહેલા મુંબઈની શગુન વેજ રેસ્ટોરાંએ આઈસ્ક્રીમની મૂળ કિંમત કરતા ગ્રાહક પાસેથી ૧૦ રુપિયા વધારે લીધા હતા. ગ્રાહક પાસેથી વધારે રુપિયા પડાવી લેવાની વૃત્તિ રેસ્ટોરાંને મોંઘી પડી અને સ્થાનિક ફોરમે ૧૦ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે.

રેસ્ટોરાંને દંડ ફટકારનારા ફોરમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ રેસ્ટોરાં ૨૪ વર્ષથી ચાલે છે અને રોજ ૪૦,૦૦૦-૫૦,૦૦૦ની કમાણી કરે છે, જેમાં મૂળ કિંમત કરતા વસ્તુ પર વધારે રુપિયા વસૂલવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. ફોરમે જણાવ્યું કે, *આ પ્રકારે રેસ્ટોરા અને દુકાનો દ્વારા ગ્રાહકો પાસેથી અનૈતિક વેપાર કરીને કમાણી કરવામાં આવે તેના પર અંકુશ લાવવા માટે તેઓમાં ડરની ભાવના રહે તે જરુરી છે.* રેસ્ટોરાંએ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ભાસ્કર જાદવ પાસે ફેમીલી પેક આઈસ્ક્રીમના પેકેટની મૂળ કિંમત ૧૬૫ના બદલે ૧૭૫ રુપિયા વસૂલ્યા હતા. જેની વિરુદ્ધમાં અનૈતિક વેપાર મુદ્દે દક્ષિણ મુંબઈ ડિસ્ટ્રીક રેડ્રેસલ ફોરમમાં ૨૦૧૫માં ફરિયાદ નોંધાવી હતી. પોતાની સાથે બનેલી ઘટના વિશે ભાસ્કર જાદવે જણાવ્યું ૮ જૂન, ૨૦૧૪ના રોજ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનથી રાત્રે ઘરે જઈ રહ્યો હતો, આ દરમિયાન ઘરે મહેમાન આવ્યા હતા અને હું રેસ્ટોરાં પર આઈસ્ક્રીમ લેવા માટે ઉભો રહ્યો. તેમણે જણાવ્યું કે તેમણે બે ફેમિલી પેક લીધા હતા અને પરંતુ તેમની પાસે આઈસ્ક્રીમના મૂળ પેકેટ કરતા વધુ રુપિયા વસૂલવામાં આવ્યા હતા. જાદવે ડિસ્ટ્રીક કસ્ટમર ફોરમમાં પોતાની ફરિયાદ રજૂ કરી જેની સામે રેસ્ટોરાંએ વાંધો ઉઠાવ્યો પરંતુ તેને ફગાવવામાં આવ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે તેમણે આઈસ્ક્રીમ ખરીદ્યો ત્યારે તેઓ રેસ્ટોરાંની અંદર પણ નહોતા ગયા. રેસ્ટોરાંએ પણ માન્યું કે પોતે વધુ રુપિયા વસુલ્યા હતા જેનું કારણ રજૂ કરીને જણાવ્યું કે, આઈસ્ક્રીમ સ્ટોર કરવા માટેનો ખર્ચ થતો હતો જેના કારણે દુકાન અને રેસ્ટોરાંના ભાવ વચ્ચે ફરક હતો. ડિસ્ટ્રીક કોર્ટે જેની સામે જણાવ્યું કે, જાદવે રેસ્ટોરાની કોઈ સર્વિસ લીધી નહોતી જેવી કે- પાણી માગ્યો હોય, ફર્નિચરનો ઉપયોગ કર્યો હોય, એર કન્ડિશનનો ઉપયોગ કર્યો હોય, આઈસક્રીમ માટે તેમની કટ્લરીનો ઉપયોગ કર્યો હોય કે પછી માઉથ ફ્રેશનરનો પણ ઉપયોગ નહોતો કર્યો. છતાં જે વધારાનો ચાર્જ વસુલાયો તે ખોટું છે.

(7:24 pm IST)