Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોડીનાર તાલુકાની ૫૦૦૦ હેકટર જમીન વરસાદી પાણીમાં ગરકાવ

ફાચરીયા ગામે મેઘાના વિરામના ૧૨ કલાક પછી પણ બજારો-રસ્તાઓ ઉપર ૫થી ૬ ફૂટ પાણીઃ ૨૦ મકાનોમાં ઘૂસ્યા

કોડીનાર, તા.૧: કોડીનાર શહેર અને તાલુકાભરમાં સતત વરસી રહેલા મેદ્યરાજાએ આજે વરસાદે વિરામ લેતાં ભારે વરસાદથી થયેલી નુકસાનીનો ચિત્ર બહાર આવી રહ્યું છે. કોડીનાર શહેરમાં છેલ્લા ર૬ કલાકમાં ૭ ઇંચ અને ગ્રામ્ય વિસ્તારોમાં એકંદરે ૧૨ થી ૧૪ ઇંચ જેટલો ભારે વરસાદ પડવાના કારણે ગીર વિસ્તાર અને નદીકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે વલાદર- સાંઢણીધાર-પાવટી-કંટાળા-ગીરદેવળી-ધાંટવડ-ચીડિવાવ-અરણેજ-સિંધાજ-વડનગર- નવાગામ-મોરવડ-વિઠલપુર-જમનવાડા-આદપોકાર-શેઢયા-જગતિયા-છાછર-પીપળી- પણાદર સહિતના અનેક ગામોમાં આફતરૂપી વરસાદી પાણી ભરાયા હતા.

વરસાદી પાણી સાથે નદી નાળા ના પાણી પણ ગામડાઓમાં ફરી વળતા અંદાજીત ૫૦૦ હેકટર થી વધુ ખેતીની જમીનોમાં અને અનેક ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથક સાથે જોડતા રસ્તાઓ ઉપર ભારે માત્રામાં પાણી ફરી વળતા તળાવમાં ફેરવાયા હતા. ફાચરીયા સહિત અનેક ગામની મોટા ભાગની ખેતીની જમીનમાં પાણીમાં ગરકાવ થઈ હતી. તાલુકાના મોટા પ્રમાણમાં ખેતીની જમીનમાં પાણી ઘુસતા જીવતી મોલાત માંડવી-શેરડી-સોયાબીન-અડદ-તલ-કપાસ ના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી વહી રહ્યું હોય મોટા ભાગના વાહન વ્યવહાર બંધ થયા હોય ગ્રામજનોને એક સ્થળેથી બીજા સ્થળે જવા લાંબો અંતર કાપવો પડી રહ્યો છે. એકંદરે કોડીનારના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. જયારે કોડીનાર શહેરમાં છેલ્લા કલાકમાં પડેલા ૭ ઇંચ વરસાદ થી અને શિંગોડા ડેમ ઓવરફ્લો થવાના લીધે અનેક નિચાણવાળા વિસ્તારો અને સોસાયટીમાં પાણી ઘુસ્યા હતા. જેમાં સરદારનગર-દત નગર-સિદ્ઘનાથ-સેલેનીટી કોલોની-સામાજીક વનીકરણની ઓફીસ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. તેમજ ગઈકાલે શિંગોડા નદી ગાંડીતુર થતા નદીનો પાણી રોડ ઉપર આવતા મામલતદાર ઓફીસથી શાક માર્કેટ, ફિશ માર્કેટ સુધીના રસ્તાઓમાં આવેલી અનેક દુકાનોમાં પાણી ઘુસતા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ માપક યંત્ર ન હોવાના કારણે વરસાદી આંકડાઓ વિષે ભારે વિસંગતા સેવાઇ રહી છે. કોડીનાર મામલતદાર કચેરીએથી ફકત સ્થાનીક આંકડાઓ મળી રહે છે,  જયારે તાલુકાના કોઈ ગામમાં વરસાદ માપક યંત્ર ન હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નો ત્યાગ મેળવી શકાતો નથી.અતિ આધુનિક ગ્રામ પંચાયત બનાવ્યા ના બણગાં ફૂંકતી સરકારે દરેક ગામડાઓમાં વરસાદ માપક યંત્ર ફીટ કરાવે તેવી માંગણી ઉઠવા પામી છે.

નિષ્કાળજી અને પ્રી મોનસૂન કામગીરીની ખામીને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનો આક્ષેપ ગીર દેવળીના ખેડૂતોએ કર્યા છે. આ વિસ્તારના વરસાદ થી અસરગ્રસ્ત ખેડૂતો એ જણાવ્યા મુજબ ગીર દેવળી થી કંટાળા ગામ સુધીને જોડતા રોડ ની બંન્ને સાઈડ ઉપર આવેલ પાણીની નિકાસની ગટરો માં P.W. દ્વારા સફાઈ જેવી પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવી ન હોવાના કારણે અને અયધનના નામથી ઓળખાતો વોકળો બુરાઈ જવાના કારણે પાણી રોડ ક્રોસ કરી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યા અને આજ પાણી અરણેજ ફાચારિયા સહિતના ગામોને મોટું નુકસાન કરતા ના આક્ષેપ કર્યા હતા.

(11:41 am IST)