Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સૌરાષ્ટ્રમાં દિવસે દિવસે કોરોના કેસોના આંકડા ટોપ ગીયરમાં વધતા જોવા મળે છે

સુરેન્દ્રનગર જિ. ભાજપના મહામંત્રી, ધોરાજી પોલીસ પરિવારો કોરોનાની ઝપટે ચડ્યા

રાજકોટ તા. ૨૭ : વૈશ્વિક કોરોના મહામારી હવે ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ટોપ ગીયરમાં જાણે દોડતી હોય તેમ દિવસે - દિવસે કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે. ગઇકાલે ભાવનગરમાં સૌથી વધુમાં કોરોનાના કેસો જાહેર થયેલ તેની સામે ૩૭ દર્દીઓ કોરોના મુકત પણ થયા હતા. ભાવનગર શહેરમાં ૧૮ પુરૂષ અને ૯ સ્ત્રીઓ મળી કુલ ૨૭ કેસો નોંધાયા હતા. જ્યારે તાલુકાઓમાં જેસરમાં ૧, મહુવામાં ૩, પાલીતાણામાં ૧, નાનીમાળ ગામે ૧, સિહોરમાં ૨, પીપરડી ગામે ૧, તળાજામાં ૧, ખદરપર ગામમાં ૧ તથા તળાજાના અલંગમાં ૧, સથરા ગામે ૧, ઉમરાળાના ઓગઠ ગામે ૧, ધોળી ગામે ૨, લંગાળા ગામે ૧, વલ્લભીપુરના પાટણા ગામે ૧ કેસ મળી કુલ ૧૮ કેસ નોંધાયા છે.

જ્યારે ધોરાજીમાં એક જ દિવસમાં ૨૧ કેસ સાથે ધોરાજી પોલીસ લાઇનમાં પોલીસ પરિવારોના ૧૪ સભ્યોને પણ કોરોના વળગતા ફફડાટ ફેલાયો છે. આમ ધોરાજીમાં નવા ૨૧ કેસ સાથે કુલ ૩૮૧ કેસ નોંધાયા છે.

આજે કચ્છમાં નવા ૨૨ કેસ જાહેર થવા સાથે બે વ્યકિતના મોત પણ થયા છે. કચ્છમાં નવા ૨૨ કેસ સાથે કુલ કેસો ૧૧૮૮ થયા છે. જ્યારે ૮૬૬ દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. આવી વિકટ સ્થિતિ વચ્ચે ભૂજના પાદર ગામમાંથી કોરોના દર્દી નાસી જતા એક સમયે લોકોમાં ડર જોવા મળ્યો હતો.

આ ઉપરાંત મોરબી જિલ્લામાં પણ કોરોનાના નવા ૧૬ કેસ સાથે ૧ દર્દીનું મૃત્યુ નોંધાયું છે. તેની સામે ૨૨ દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં નવા કેસો સાથે કુલ આંક ૮૬૧ થયો છે. તેમાંથી હાલ ૨૦૦ એકટીવ કેસો છે. ૬૧૩ દર્દીઓને અત્યાર સુધી રજા અપાઇ છે.

(2:52 pm IST)