Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

કેટલાક ધારાસભ્‍યોએ અંગત કારણ આપીને રાજીનામુ આપ્‍યા બાદ બીજા પક્ષમાં જોડાતા પેટાચૂંટણી કરવી પડીઃ ચૂંટણી ખર્ચ પક્ષ પલ્‍ટો કરનારા ધારાસભ્‍યો પાસેથી વસુલવા હાઇકોર્ટમાં પીઆઇએલ

અમદાવાદઃ કેટલાક ધારાસભ્યો અંગત કારણ આપી કોઈએક રાજકીય પક્ષમાંથી રાજીનામુ આપી અન્ય પાર્ટીમાં જોડાતા હોવાથી ચૂંટણી પંચને ફરીવાર પેટા-ચૂંટણી યોજવી પડે છે જેથી પ્રજાના પૈસાનો નુકસાન ન થાય તે માટે પક્ષપલટું ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચનો રકમ પરત વસૂલવાના નિયમો ચૂંટણી પંચ ઘડે તેવી માંગ સાથે જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

કોઈપણ બેઠક પર ચૂંટણી યોજવામાં 1 થી 2 કરોડ રૂપિયાનો ખર્ચ આવતો હોવાનું સામે આવ્યું છે. અરજદાર એડવોકેટ ખેમરાજ કોષ્ટિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ડિસ-ક્વોલિફિકેશનને ટાળવા માટે ધારાસભ્યો અંગત કારણો આપી એક રાજકીય પક્ષમાંથી રાજીનામું આપી અન્ય રાજનૈતિક પક્ષ સાથે જોડાઈ તેમની ટિકિટ પર ફરીવાર ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા થાય છે.

પક્ષપલટુ ધારાસભ્યોના આ પ્રકારના અંગત લાભના લીધે પ્રજાના પૈસાનું નુકસાન થાય છે, જેથી કોઈપણ ધારાસભ્ય તેની ટર્મ પૂરી ના થાય ત્યાં સુધી રાજીનામું આપી શકે નહીં તેવા નિયમો ઘડવામાં આવે તેવી માંગ કરી છે.

નોંધનીય છે કે વર્ષ 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી જીતેલા 77 ધારાસભ્યો પૈકી 15 ધારાસભ્યો પક્ષ પલટો કરીને ભાજપ સાથે જોડાયેલા છે અને આ 15 પૈકી 10 ધારાસભ્યોએ શાસક પક્ષ ભાજપમાંથી ટિકિટ મેળવી ફરીવાર ચૂંટણી લડી છે. ડિસક્વોલિફિકેશનને ટાળવા માટે આ પ્રકારનો વ્યૂહ અપનાવવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પક્ષપલટુ ધારાસભ્ય પાસેથી પેટા ચૂંટણી યોજવાનો ખર્ચ વસૂલવામાં આવે તેવા નિયમો ચૂંટણી પંચ ઘડે તેવી માંગ કરતી જાહેરહિતની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે.

(5:00 pm IST)