Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

કોરોના સામેનો જંગ જીતવાની નજીક છે ભારત

૨૪ કલાકમાં - માત્ર ૩૬૪૬૯ કેસ- ૪૮૮ના મોતઃ કુલ કેસ ૭૯,૪૬,૪૨૯: ૭૨,૦૧,૦૭૦ રિકવરઃ કુલ મુત્યુઆંક ૧,૧૯,૫૦૨: એકટીવ કેસ ૬,૨૫,૮૫૭ : ૧૦૧ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયાઃ ૨૪ કલાકમાં એકટીવ કેસમાં ૨૭૬૮૦નો ઘટાડો : સંક્રમણથી મુકત થનારામાં ૬૩૮૪૫નો વધારો

નવી દિલ્હી, તા.૨૭: ભારતભરમાંથી કોરોના વાયરસને લઇને સતત રાહતભર્યા સમાચાર અપાવી રહ્યા છે. દેશમાં કોરોનાના હવે વળતા પાણી જણાય રહ્યા છે અને નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં ૧૦૧ દિવસ પછી સૌથી ઓછા કેસ સામે આવ્યા છે.

 

દેશમાં કોરોના સંક્રમણના આંકડામાં મોટો દ્યટાડો નોંધાયો છે. અનેક દિવસો બાદ મંગળવારે જાહેર થયેલા આંકડો ૪૦ હજારની નીચે નોંધાયો છે જે એક આશાનું કિરણ સમાન છે. નોંધનીય છે કે ૧૦૧ દિવસ બાદ આટલો ઓછો આંકડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૩૬,૪૬૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ (કોવિડ-૧૯)ના કારણે ૪૮૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૯,૪૬,૪૨૯ થઈ ગઈ છે.

 આ ઉપરાંત, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૭૨ લાખ ૧ હજાર ૭૦ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૬,૨૫,૮૫૭ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૯,૫૦૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ૨૪ કલાકમાં એકટીવ કેસ ૨૭૬૮૭ ઘટયા છે જયારે સંક્રમણથી મુકત થનારાની સંખ્યા ૬૩૮૪૨ વધી છે.

 વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૬ ઓકટોબર સુધીમાં ભારતમાં કુલ ૧૦,૪૪,૨૦,૮૯૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૯,૫૮,૧૧૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ગુજરાત રાજયની વાત કરીએ તો, ૨૬ ઓકટોબરે કોરોના વાયરસના ૯૦૮ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જયારે ૧૧૦૨ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજયના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૪ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજયમાં પોઝિટિવ કેસનો આંક ૧૬૮૦૮૧ એ પહોંચી ગયો છે.(૨૩.૧૩)

(11:14 am IST)