Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કોટડાસાંગાણી તાલુકામાં એક થી ચાર ઇંચ વરસાદથી ખેતીના પાકનો સોથ વળી જતા જગતાત મુશ્કેલીમાં : કપાસની ડાળખી -ફુલ ખરી પડ્યા

(કલ્પેશ જાદવ દ્વારા) કોટડાસાંગાણી, તા. ૧૯:  કોટડાસાંગાણી સહીત આસપાસના ગામમા પડેલા ભારે વરસાદના કારણે ખેતીના પાકનો સોથ વળી જતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે.

રવીવારની રાત્રીના સાતેક વાગ્યાના અરસામાં કોટડાસાંગાણી સહિત તાલુકાનારામોદ સતાપર રામપરા બગદડીયા ભાડવા રાજગઢ ખરેડા રાજપરા નારણકા સોળીયા વાદીપરા દેવળીયા જુના નવા રાજ પીપળા પાંચતલાવડા હડમતાળા ખોખરી દેવળીયા અરડોઈ સહીતના આસપાસના ગામોમા ગાજવીજ સાથે બે થી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો.

ભારે પવનના કારણે કલાકો સુધી વીજળી પણ ગુલ થઈ હતી.અનેક ખેડૂતોની મગફળી પલળી જવા પામી હતી.તો બીજી તરફ વરસાદ સાથે રહેલા ભારે પવનના કારણે કપાસના પાકનો સોથ વળી જવા પામ્યો હતો.અને કપાસની ડાળખી તુટી હતી તેમજ ફુલ પણ ખરી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.સાથેજ અનેક ખેતરોમા રહેલી મગફળી તણાઈ જવા પામી હતી.

તાલુકાના ગામોમાં બે દિવસ પુર્વે પણ વરસાદ ખાબકયો હતો ત્યારે ફરીથી એકથી ચાર ઈંચ જેટલા પડેલા ભારે વરસાદના કારણે મગફળી કપાસ શેરડી મરચી સોયાબીન સહીતના પાકને ભારે નુકશાન થતા ખેડુતોની હાલત કફોડી થવા પામી છે.ત્યારે આ વીસ્તારના ખેડુતોને વિમાની આશા બંધાણી છે.

(10:50 am IST)