Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

જુનાગઢ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા મેગા રકતદાન કેમ્પ

જીલ્લા કલેકટર,ડી.ડી.ઓ જિલ્લા શિક્ષણાધિકારી સહિતના રકતદાન કરી બન્યા રાહબર શિક્ષકો તેમજ : વહીવટી કર્મચારી સહિત ર૭પ રકતદાતાઓએ કર્યું રકતદાન : આર.એસ. ઉપાધ્યાય સતત ખડેપગે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૭ : જુનાગઢ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા બિલનાથ મંદિર નજીક આવેલ પ્રેમાનંદ વિદ્યામંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. શિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી સમયે જરૂરીયાત વાળા વ્યકિતને સહેલાઇથી રકત મળી રહે તેવા હેતુથી રાજયના શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવની પ્રેરણા અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લા શિક્ષણ પરિવારની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય શિક્ષકો, વહીવટી કર્મચારી અને સમગ્ર શિક્ષાના તમામ સ્ટાફે રકતદાન કર્યું હતું. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય જીલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય સહિતના અધિકારીઓએ કર્યું હતું. બાદમાં આ ત્રણેય અધિકારીઓએ રકતદાન કરી રાહબર બન્યા હતાં. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ. ઉપાધ્યાયએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રા.શિ. કચેરી શાળા સંચાલકો અને શૈક્ષણિક સંઘોના સહયોગથી આયોજીત આ રકતદાન કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.જી. જેઠવા તેમજ ખાનગી શાળાના સંચાલક શ્રી જી.પી. કાઠી, કે.ડી. પંડયા, ચેતનભાઇ શાહ, હેતલ રામાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. શ્રી ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે, રકતદાન કેમ્પના સ્થળે સવારથી જ શિક્ષણ પરિવારના સૌ રકતદાતાઓનું વ્યવસ્થિત સ્વયંશિસ્ત સાથે સોશીયલ ડીસ્ટન્સ જાળવી ક્રમ પ્રમાણે ટેમ્પરેચર માપી સેનેટાઇઝ કરી ફોર્મ ભરી બ્લડ પ્રેસર ચેક કરી સંપૂર્ણ તકેદારી રાખી સીવીલ હોસ્પિટલ જુનાગઢની ટીમ તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રકત લેવામાં આવેલ. સવારથી શિક્ષણ પરિવાર દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક રકતદાન કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ. ઉપાધ્યાયની સાથે તેમની કચેરીના આર.વી. પરમાર, એલ.વી. કરમટા, આર.બી. માવદીયા, ઠાકરભાઇ તથા પ્રતાપભાઇ, રાહુલભાઇ સહિતના સ્ટાફે પણ રકતદાન કર્યું હતું.  સવારથી બપોર સુધી કેમ્પ પુરો થયો ત્યાં સુધી સતત શ્રી ઉપાધ્યાય ખડેપગે રહી રકતદાન દરમ્યાન રકતદાતાઓન કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જીણવટભરી કાળજી લઇ રહ્યા હતાં અને રકતદાન દરમ્યાન એક એક બેડ પાસે જઇ રકતદાતાઓને કોઇ તકલીફ નથી તેવું સતત પૂછી અને ખૂબ સારી કાળજી લઇ રહ્યા હતાં. ઉપરોકત તસ્વીરમાં સ્વંયશિસ્ત સાથે રકતદાન માટે રજીસ્ટ્રેશન કરાવતા રકતદાતાઓ તેમજ કાર્યક્રમનું દિપ પ્રાગટય કરી ખુલ્લો મૂકતા જીલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી અને બાદમાં રકતદાન કરતા આ ત્રણેય વરિષ્ઠ અધિકારીઓ તેમજ રકતદાન દરમ્યાન કર્મચારીઓને સુચના આપતા આર.એસ. ઉપાધ્યાય નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:00 am IST)