Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

શાહરૂખ ખાનના સૌથી મોટા ફેન ક્રિકેટર રાહુલ ત્રિપાઠીએ કોલકત્તાને આઇપીએલમાં જીત અપાવી તો ઇનામમાં મળી ‘ફલાઇંગ કિસ'

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની 21મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે જીતનો માર્ગ તૈયાર કરનાર બેટ્સમેન રાહુલ ત્રિપાઠી શાહરૂખ ખાનનો સૌથી મોટો ફેન છે. ચેન્નઈ વિરુદ્ધ આક્રમક અડધી સદી ફટકારનાર બેટ્સમેનને કેપ્ટન દિનેશ કાર્તિકે ટીમના માલિક શાહરૂખ ખાન સાથે મુલાકાત કરાવી અને કહ્યુ કે, ભાઈ તમારો સૌથી મોટો ફેન.

ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ બુધવારે ઈનિંગની શરૂઆત કરનાર રાહુલ ત્રિપાઠીએ 51 બોલમાં શાનદાર 81 રન બનાવ્યા. આ ઈનિંગ દરમિયાન તેણે 3 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલની આ ઈનિંગ માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કોલકત્તાએ પ્રથમ બેટિંગ કરતા 167 રનનો સ્કોર બનાવ્યો જેના જવાબમાં ચેન્નઈની ટીમ 5 વિકેટે 157 રન બનાવી શકી હતી.

મેચ બાદ કોલકત્તાના કેપ્ટન દિનેશ કાર્તિકે મેચના હીરો રાહુલને ટીમના માલિક શાહરૂખ ખાન સાથે મુલાકાત કરાવી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાર્તિકે ગેલેરીમાં બેસીને મેચ જોઈ રહેલા શાહરૂખને અવાજ આપીને મેચના સ્ટાર ખેલાડી સાથે મુલાકાત કરાવી. શાહરૂખ ખાને પણ ઉપરથી હાથ ઉંચો કરીને પહેલા રાહુલ ત્રિપાઠીને અભિનંદન આપ્યા અને પછી પોતાના અંદાજમાં ફ્લાઇંગ કિસ આપીને થેંક્યૂ કહ્યુ.

કોલકત્તા નાઇટ રાઇડર્સના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. જેમાં રાહુલની મુલાકાત શાહરૂખ સાથે કાર્તિક કરાવી રહ્યો છે. કેપ્ટને મેચ જોવા આવેલા શાહરૂખની સાથે બેઠેલા બધા લોકોનો આભાર માન્યો. તેમણે તેનો ઉત્સાહ વધારવા માટે આવવા પર આભાર વ્યક્ત કર્યો હતો.

(4:59 pm IST)