Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

વલસાડના સેગવી ગામમાં રૂપિયાની તંગીમાં યુવાને પાડોશમાં રહેતા વૃધ્‍ધાની હત્‍યા કરીને 10 તોલા સોનુ લઇને નાસી છૂટયા બાદ ધરપકડ

વલસાડ: વલસાડ ગ્રામ્ય પોલીસ માટે છેલ્લા બે દિવસ ગ્રહણ સાબિત થયા હતા, કારણકે બે અલગ અલગ વિસ્તારોમા લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી. જ્યાં એક દિવસ પહેલા ભૂતસર ખાતે વૃદ્ધાને ત્યાં લૂંટારુઓ ત્રાટક્યા હતા અને વૃદ્ધ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાં વધુ એક લૂંટ વિથ મર્ડરની ઘટના વલસાડ તાલુકાના સેગવી ગામમાં બની હતી. આવામાં રૂપિયાની તંગીમાં યુવાને પાડોશમાં રહેતી વૃદ્ધાને રહેંસી નાખી અને આશરે 10 તોલા સોનુ લઈને ફરાર થઈ ગયો હતો. પરંતુ ગણતરીના કલાકોમાં તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો હતો.

સેગવી ગામના સુથાર ફળિયામાં 85 વર્ષીય હંસાબેન મિસ્ત્રી અને તેમની દીકરી મીનાક્ષીબેન મિસ્ત્રી રહે છે. મંગળવારે હંસાબેનેગળામાં સોનાના ઘરેણાં પહેર્યા હતા. જે જોઈને પડોશમાં રહેતો કલ્પેશ ઉર્ફે લાલુ જયંતીલાલ મિસ્ત્રીની દાનત બગડી હતી. હંસાબેનને એકલા ઘરમાં જોઈને કલ્પેશે હંસાબેન ઉપર હુમલો કર્યો હતો. તેણે હંસાબેનના માથા પર કુહાડી મારી હતી. જેથી તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. જેના બાદ કલ્પેશે ઘરમાં ઘરેણાની લૂંટ ચલાવી હતી. આવામાં મીનાક્ષીબેન પણ ત્યાં આવી ચઢ્યા હતા. એટલે કલ્પેશે મીનાક્ષીબેન પર પાટલાથી હુમલો કરીને તેઓને બેભાન કરી દીધા હતા. કલ્પેશ મીનાક્ષીબેને પહેરેલી સોનાની ચેન પણ લૂંટીને ભાગી છૂટ્યો હતો.  ત્યાર બાદ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

આરોપી જયંતીએ ધોબી તળાવમાં રહેતો તેનો મિત્રના ઘરે જઈને તેને લૂંટના થોડા ઘરેણાં આપ્યા હતા. અને ઘરેણાં ગીરવે મૂકીને કલ્પેશે રોકડા રૂપિયા મંગાવ્યા હતા. કલ્પેશે ગીરવે મુકેલી તેની બાઈક છોડાવી હતી. મોગરવાડીમાં રહેતો તેનો મિત્ર દિપક પટેલને મળવા પહોંચ્યો હતો. દીપકને થોડા ઘરેણાં મુથુથ ફાઈનાન્સમાં ગીરવે મૂકી રોકડા રૂપિયા મંગાવ્યા હતા.

બીજી તરફ, પોલીસે મીનાક્ષીબેન ભાનમાં આવતા તેમના નિવેદનના આધારે કલ્પેશનું પગેરું મેળવવાની પોલીસ કવાયત શરૂ થઈ હતી. હત્યા અને લૂંટ કરતા પહેલા તેનો મોબાઈલ ઘરે મૂકી ગયો હતો. મીનાક્ષીબેને કલ્પેશનું નામ જણાવતા પોલીસે તાત્કાલિક તેના પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. કલ્પેશના મોબાઇલની કોલ ડિટેલના આધારે તેના મિત્રોની કડક પૂછપરછ કરતા કલ્પેશનું બીલીમોરા તરફનું લોકેશન મળ્યું હતું. લોકેશન મળતા જ પોલીસે બિલીમોરા જઇ આરોપી કલ્પેશને તેના માસીના ઘરેથી દબોચી લીધો હતો.

પાડોશી યુવકે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, કલ્પેશ છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસમાં હતો. કેટલીય વખત તેના લેણદારો પણ તેના ઘર સુધી પહોંચી ગયા હતા. જેથી પૈસાની ભીંસમાં તેણે હંસાબેન અને મીનાક્ષીબેન ઉપર હુમલો કરી લૂંટ મચાવી હતી. બાદમાં ઘરેણાંને મુથુથ ફાઈનાન્સમાં ગિરવે મૂક્યા હતા. કલ્પેશને ઘરેણાં ધિરાણ પર આપીને રૂપિયા લાવવા મદદ કરનાર દિપક નટવરભાઈ પટેલ અને આશિષ બાલુભાઈ પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે.

(5:12 pm IST)