Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

પાર્ક કરેલી ગાડીમાં રમતા-રમતા લોક થઈ ગયો ૬ વર્ષનો માસૂમઃ ગૂંગળાઈ જતા મોત

નાના બાળકો રમતા હોય ત્યારે બેદરકારી રાખતા માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છેઃ માતાની પાછળ-પાછળ ચાલી રહેલો બાળક પાર્ક કરેલી કારમાં જઈને બેસી ગયો અને દરવાજો અંદરથી લોક થઈ ગયો

અમદાવાદ, તા.૭: નાના બાળકો રમતા હોય ત્યારે બેદરકારી રાખતા માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. શહેરના એરપોર્ટ રોડ પર આવેલા ઈસ્કોન બંગ્લોઝ પાસે પાર્ક કરેલી એક કારમાં રમતાં-રમતાં લોક થઈ ગયેલા ૬ વર્ષના એક માસૂમનું ગૂંગળાઈ જવાથી મોત થઈ ગયું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારે બપોરે અમદાવાદના એરપોર્ટ રોડ પર આવેલી એએમસીની ટાંકી સામેથી પાર્ક કરેલી એક કારમાંથી ૬ વર્ષના અજય નામના બાળકની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઈન્દિરાબ્રિજ પાસેના સરણીયા વાસમાં રહેતો અજય તેની માતા સાથે બપોરના સમયે જઈ રહ્યો હતો. માતા આગળ ચાલી રહી હતી અને બાળક પાછળ. દરમિયાનમાં બાળકે ઈસ્કોન બંગ્લોઝ પાસે એક કાર પાર્ક કરેલી જોઈ હતી. જેથી તે કારની પાસે ગયો અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો દરવાજો ખૂલી ગયો હતો. કારનો દરવાજો ખૂલી જતા અજય અંદર બેસી ગયો હતો અને દરવાજો બંધ કરી રમવા લાગ્યું હતું. દરમિયાનમાં કારનો દરવાજો લોક થઈ ગયો હતો અને તે અંદર જ ગૂંગળાઈ ગયો હતો અને તેનું મોત નીપજયું હતું.

બીજી તરફ માતાને જયારે ખ્યાલ આવ્યો કે દીકરો પાછળ નથી આવી રહ્યો તો તે તેણે શોધખોળ શરૂ કરી. પરંતુ બાળકનો કયાંય પતો લાગ્યો ન હતો. દરમિયાનમાં સ્થાનિક લોકોએ આ પાર્ક કરેલી ગાડીમાં અજયને જોયો હતો અને પોલીસને જાણ કરી હતી. જે કારમાંથી અજયની લાશ મળી તે કારના માલિકે લગભગ એક અઠવાડિયા પહેલા પોતાના ઘરની સામે કાર પાર્ક કરી હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી અને બાળકના મૃતદેહને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

(9:57 am IST)