Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વધ્યા ડિજિટલ વ્યવહારો... વધ્યા સાયબર ફ્રોડ

૨૦૨૦-૨૧માં ગુજરાતમાં સાયબર ફ્રોડ કેસમાં ૬૭ ટકાનો વધારો : ૨૦૧૯-૨૦માં ૨૮૦૩ તો ૨૦૨૦-૨૧માં ૪૬૭૧ કેસ

અમદાવાદ તા. ૮ : કોરોના મહામારી દરમિયાન વધુને વધુ લોકો ડીજીટલ ટ્રાન્ઝેકશન તરફ વળ્યા છે ત્યારે સેંકડો લોકો નાણાકીય સાયબર ફ્રોડનો ભોગ બને છે.

૨૦૨૦-૨૧માં ગુજરાતમાં આવા કેસો ૬૭ ટકા વધ્યા છે. કોરોના પ્રતિબંધોના કારણે મોટાભાગે ઘરમાં રહેલા લોકોને છેતરવા માટે સાયબર ઠગોએ પોતાની જાળને વિસ્તારી હતી.

રાજ્યની શેડયુલ્ડ કોમર્શિયલ બેંકો (એસસીબી) ૨૦૧૯-૨૦ના ૨૮૦૩ કેસોની સરખામણીમાં ૨૦૨૦-૨૧માં સાયબર ફ્રોડના ૪૬૭૧ કેસો નોંધાવ્યા હતા. ૨૦૧૬-૧૭માં આ આંકડો ૫૫ હતો તેમ કેન્દ્રીય નાણાપ્રધાને લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું હતું.

ગુજરાતની વાત કરીએ તો ૨૦૨૧માં સાયબર ફ્રોડની રકમ આગલા વર્ષના ૬.૬૯ કરોડની સરખામણીમાં બમણી એટલે કે ૧૩.૩૬ કરોડ થઇ હોવાનું લોકસભામાં જણાવાયું છે.

નાણાકીય સાયબર ફ્રોડની ઘટનાઓ એટીએમ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અને ઇન્ટરનેટ બેંકીંગ પ્લેટફોર્મ દ્વારા થઇ છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટિ, ગુજરાતના કન્વીનર એમ એમ બંસલે કહ્યું 'નોટબંધી પછી ડીજીટલ ટ્રાન્ઝેકશનમાં વધારો થયો અને લોકડાઉન દરમિયાન તેમાં જોરદાર વધારો થયો છે. ડીજીટલ ટ્રાન્ઝેકશનમાં વધારો અને લોકોમાં અપૂરતી સાવચેતીથી સાયબર ફ્રોડ વધ્યા છે. બેંકો લોકોમાં જાગૃતિ લાવવાના પુરતા પ્રયત્નો ફ્રોડને રોકવા માટે કરી રહી છે.'

છેલ્લા નાણાકીય વર્ષમાં સાયબર ફાઇનાન્સીયલ ફ્રોડનો ભોગ બનનાર રાજ્યોમાં ગુજરાતનો નંબર પાંચમો છે. ૬૭ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૨૬૫૨૨ કેસ સાથે મહારાષ્ટ્ર પહેલા નંબર પર છે. ત્યાર પછી દિલ્હી, તમિલનાડુ  અને હરિયાણા છે.

(10:59 am IST)