Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રિયલ એસ્ટેટને ધમધમતુ કરવા કેન્દ્ર સરકારનો આગ્રહઃ રાજ્યોને સ્ટેમ્પ ડ્યુટીના દરો ઘટાડવા અપીલ કરી

ટૂંક સમયમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જીસ ઘટવાના એંધાણ

દેશમાં મોટાભાગના રાજ્યો ભાજપશાસિત હોવાથી ટૂંક સમયમાં તેઓ વિશ્લેષણ કરી નિર્ણય લ્યે તેવી શકયતા

નવી દિલ્હી તા.૩: કોરોના વાયરસના કારણે રિયલ એસ્ટેટ સેકટરમાં આવેલી મંદીને દૂર કરવા માટે કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલયે રાજ્યોને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા માટે જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રાલયે આવતા ૬ મહિના માટે પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાં લાગતી સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા ઇચ્છે છે. તેથી જ રાજ્યોને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અપીલ કરવામાં આવી છે. કેન્દ્ર ઇચ્છે છે કે ૬ મહિના માટે રાહત હેઠળ સ્ટેમ્પ ડ્યુટી ૨ થી ૫ ટકા જેટલી ઘટાડવામાં આવે. શહેરી વિકાસ મંત્રાલયે એવું પણ કહ્યું છે કે, રાજ્યો આ બાબતે પોતાની આવકના હિસાબથી નિર્ણયો લઇ શકે છે. સ્ટેમ્પ ડ્યુટી ઘટવાથી રિયલ એસ્ટેટમાં ડિમાન્ડ વધે તેવી શકયતા છે. મહારાષ્ટ્રએ તાજેતરમાં સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ સ્ટેમ્પ ડ્યુટી વસુલાય છે. મોટાભાગના રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યુટી ૭થી ૧૨ ટકા વચ્ચે છે. મધ્ય પ્રદેશમાં તે ૧૨.૫ ટકા છે.

કેન્દ્રના મંત્રાલયે તમામ રાજ્યોના સચિવોને પત્ર લખી સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા કહ્યું છે. કેન્દ્રના કહેવા મુજબ ઘટાડાનો મોટો ફાયદો રિયલ સેકટરને મળશે જે હાલ ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહેલ છે. આગામી તહેવારોની સીઝનને જોતા પણ કેન્દ્રની અપીલને મહત્વની ગણવામાં આવે છે. આવુ એટલા માટે કે મોટાભાગે લોકો નવરાત્રી કે મોટા તહેવારોની આસપાસ પ્રોપર્ટીમાં નિવેશ કરતા હોય છે. સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાથી પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે ઘણા લોકો આગળ આવી શકે છે. જેનો એક ફાયદો રાજ્યની આવકની વૃદ્ધિના સ્વરૂપમાં પણ હશે. રિયલ્ટી કંપનીઓની કહેવું છે કે, આ નિર્ણયથી રહેવા માટે તૈયાર એટલે કે રેડી ટુ મુવ આ રહેણાંક સંપત્તિઓની માંગ નિર્માણાધીન ફલેટોની તુલનામાં વધુ વધશે.

દેશમાં મોટાભાગના રાજ્યો ભાજપશાસિત હોવાથી ટૂંક સમયમાં આ રાજ્યો ઘટાડાની જાહેરાત કરે તેવી શકયતા છે.

(3:17 pm IST)