Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સરકારની નિકાસ પ્રોત્સાહન આપવાની નીતિમાં કરાયા ફેરફાર

નિકાસકારોને લાગશે ધૂંબો

નવી દિલ્હી તા. ૩ :.. નિકાસકારોને સરકાર તરફથી પ્રોત્સાહન આપવાની પધ્ધતીમાં ફેરફારો કરાયા છે. સરકારે મર્કેન્ડાઇઝ એક્ષપોર્ટ ઓફ ઇન્ડીયા સ્કીમ (એમઇઆઇએસ) હેઠળ લાભને પ્રતિ નિકાસકાર બે કરોડ રૂપીયા સુધી સીમિત કરી દીધી છે. આ વ્યવસ્થા ૧ સપ્ટેમ્બરથી ૩૧ ડીસેમ્બરના સમયગાળામાં થનારી નિકાસને લાગુ પડશે.

વ્યાપાર વિભાગ તરફથી બહાર પડાયેલ અધિ સૂચના અનુસાર, એમઇઆઇએસ હેઠળ જાહેર કરાયેલ લાભ ૧ જાન્યુઆરી ર૦ર૧થી બંધ થઇ જશે. વિભાગે કહયું કે યોજનાને બંધ કરવાની નોટીસ ૪ મહિના પહેલા જાહેર કરવાથી નિકાસકારોને આગામી ભાવો નકકી કરવામાં સરળતા રહેશે. પણ નિકાસકારો અને તે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આ પગલાથી ખુશ નથી. બાઇક અને ત્રણ પૈડાના વાહનોની મોટી નિકાસકાર બજાજ ઓટોના મેનેજીંગ ડાયરેકટ રાકેશ શર્માએ કહયું કે આ પગલાથી નિકાસ પર અસર થશે. આ યોજનાથી કંપનીને ર ટકાનો લાભ મળતો હતો પણ બજાજે હવે કિંમતો વધારીને તેનો બોજ ગ્રાહકો પર નાખવો પડશે. શર્માએ કહયું કે ર કરોડ રૂપિયાની લીમીટના કારણે કંપનીને છ મહિનામાં લગભગ ૧ર૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે.

(3:53 pm IST)