Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

વ્યૂહાત્મક પોસ્ટ પર કબ્જો

સલામ છે જવાનોને... ચીનના ૫૦૦ જેટલા સૈનિકોને ઘેરી લીધાઃ મહત્વની જગ્યાએથી ખદેડી દીધા

 

લેહ, તા.૩: લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સતત તણાવપૂર્ણ માહોલ બન્યો છે. ગત બે દિવસ ૨૯મી અને ૩૦મી ઓગસ્ટના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પેન્ગોંગ ખીણ પાસે ઘર્ષણ (India China Faceoff)ના સમાચાર આવ્યા હતા. ભારતીય સેનાએ પીપલ્સ લિબેરેશન આર્મી (PLA)ને પાછળ ધકેલીને રણનીતિક રીતે મહત્ત્વપૂર્ણ પોસ્ટ પર કબજો કરી લીધો છે. આખરે કેવી રીતે ભારતીય સેનાએ ચીનના સૈનિકોને ઝડબાતોડ જવાબ આપ્યો તેને લઈને સતત સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે ઘર્ષણ દરમિયાન ભારતીય સૈનિકોએ આશરે ૫૦૦ જેટલા ચીની સૈનિકોને ઘેરી લીધા હતા. જે બાદમાં સૈનિકો ચાર કિલોમીટર સુધી અંદર ઘૂસી ગયા હતાં, જયાં પહેલા ચીનનો કબજો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૯/૩૦ ઓગસ્ટની રાતે ભારતીય સૈનિકોની બહાદૂરીએ ચીનને ચોંકાવી દીધું હતું. PLAના આશરે ૫૦૦ સૈનિકોએ સ્પંગ્ગુરની ડોમિનેટિંગ હાઇટ્સ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પહાડ પર અત્યાર સુધી ભારત કે ચીનનો કબજો નથી રહ્યો. આ વિસ્તારમાં તહેનાત ભારતીય ઇલેકટ્રોનિક સર્વેલન્સ ઉપકરણોની મદદથી PLAના આવી હરકત અંગે માહિતી મળી હતી. ચીનની મુરાદ પારખી ગયેલી ભારતીય સેના પહેલાથી જ એલર્ટ હોવાથી PLAના ગતિવિધિ અટકાવી દીધી હતી. આ દરમિયાન ચીનના સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે હાથ અને પગથી ફાઇટ થઈ હતી. જે બાદમાં ચીનના સૈનિકોએ પાછળ હટવાની ફરજ પડી હતી.

૩૦મી ઓગસ્ટના રોજ વહેલી સવારે ભારતીય સૈન્યની વિકાસ બટાલિયન જેને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ કહેવામાં આવે છે (આ બટાલીયન રો હેઠળ આવે છે) તે ચીની પોઝિશન અને કબજો ન હોય તેવા વિસ્તારમાં આગળ વધી હતી. જે બાદમાં ચીનની એક મહત્ત્વપૂર્ણ પોસ્ટ પર કબજો કરી લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિકાસ બટાલિયનના આ ઓપરેશનને પગલે PLAએ ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. ભારતીય સૈન્ય આ વિસ્તારમાં ચાર કિલોમીટર અંદર સુધી દ્યૂસી ગયું છે, જેના પર ચીનનો કબ્જો છે. રણનીતિક રીતે ભારતીય સૈન્યએ મહત્ત્વની ઊંચાઈ પર કબજો જમાવી લીધો છે. ભારત હવે આ વિસ્તારમાં રણનીતિક રીતે ફાયદાની સ્થિતિમાં છે. ચીન હવે આ વિસ્તારમાંથી ભારતીય સૈનિક હટે તેવી માંગણી કરી રહ્યું છે.

(4:12 pm IST)