Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કાશી વિશ્વનાથ ધામમાં ખોદકામ દરમિયાન ૧૬મી સદીના મંદિરના અવશેષો મળી આવ્યા

કમળ ફુલ અને કળશની આકૃતિઓ અંકિત : પુરાતત્વ અધિકારીઓ અને મંદિર પ્રશાસન દ્વારા સંયુકત ટીમ બનાવી શરૂ કરાયો અભ્યાસ

વારાણસી તા. ૭ : કાશી વિશ્વનાથ ધામમાં ખોદકામ દરમિયાન મંદિરના અવશેષો મળી આવ્યા છે. પુરાતત્વવિંદોના મતાનુસાર આ શ્રી કાશી વિશ્વનાથ મંદિરના સમકાલીન કોઇ મંદિરના ટુકડા છે. સંભવિત આ ૧૬ મી શતાબ્દીના પુરાવા હોઇ શકે.

મંદિરના અવશેષો મળ્યાના સમાચારથી મંદિર પ્રશાસન અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે કોઇએ કઇ સ્પષ્ટતા કરી નહોતી. મંદિર પ્રશાસનનું કહેવુ છે કે સમગ્ર તપાસ થયા પછી જ કઇ કહી શકાય.

ગુરૂવારે સાંજે કાશી વિશ્વનાથ ધામ પરિસરમાં શૃંગાર ગૌરીની પશ્ચિમ તરફ અમરનાથ મઠ તરફ જેસીબીથી ખોદકામ થઇ રહ્યુ હતુ. એ દરમિયાન જમીનમાંથી મંદિરના કલાત્મક અવશેષો નીકળી આવ્યા હતા. આ અવશેષો પર કમળ દળ અને કળશની આકૃતિઓ છે. જેનાથી આ ટુકડા મંદિરના હોવાનું માની શકાય.

પુરાતત્વવિદ્દોનું કહેવુ છે કે આ અવશેષો ૧૫ મી કે ૧૬ મી શતાબ્દી કાળના મંદિરોના હોઇ શકે છે. જેમાં કળશ અને કમળનું ફુલ સ્પષ્ટ જોવા મળે છે. જે બહુ જુના મંદિરના અવશેષો હોવાના સંકેતો આપે છે. વિશ્વની સૌથી પ્રાચીન નગરી કાશીના ગર્ભમાં કેટલાય ઇતિહાસો ધરબાઇ ચુકયા છે. શ્રી કાશી વિશ્વનાથ ધામના નિર્માણ માટે ચાલી રહેલ ખોદકામ અને ધ્વસ્તીકરણ દરમિયાન ચંદ્રગુપ્ત કાળથી લઇને તેનાથી પણ પ્રાચીન મંદિરો સામે આવ્યા છે. એવા કેટલાય મંદિરો સામે આવ્ય કે જે હજારો વર્ષથી વિસરાય ચુકયા છે. એમાના કેટલા મંદિર એટલા જુના છે કે જે પૌરાણીક કાશીનગરી હોવાના સંકેત આપે છે.  એમ કહેવાય છે કે કોરીડોર માટે ભવનોની તોડફોડ દરમિયાન મણિકર્ણીકા ઘાટના કિનારે દક્ષિણ ભારતીય શૈલીમાં રથ પર બનેલ અદ્દભૂત શિવ મંદિર સામે આવ્યુ જેમાં સમુદ્ર મંથનથી લઇને કઇ કેટલીએ પૌરાણિક ગાથાઓ અંકિત કરાયેલ છે. કાશીવિશ્વનાથ મંદિરની પ્રતિકૃતિવાળુ એક મંદિર પણ જોવા મળ્યુ છે. આ મંદિરોને સુરક્ષિત રાખવાનું કાર્ય ચાલુ છે. જેની જવાબદારી બીએચયુના ઇતિહાસ વિભાગની ટીમને સોંપવામાં આવ્યુ છે. આ ટીમ મંદિર પ્રશાસનની ટીમની સાથે મળીને હજુ વિગતો એકત્ર કરી રહી છે. મંદિરને ર્કાબન ડેટીંગ કરાવવાની પણ તૈયારી થઇ રહી છે.

(11:38 am IST)