Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

શહેર પોલીસની મધ્યસ્થીથી સિવિલ હોસ્પિટલના વર્ગ-૪ના કર્મચારીઓનું સુખદ સમાધાન થયું

પોલીસે ૨૨૧ કોરોના વોરિયર્સ માટે માનવતા દાખવીઃ ભોજન સહિતની વ્યવસ્થા

રાજકોટઃ સિવિલ હોસ્પિટલના વર્ગ-૪ના ૨૨૧ જેટલા કર્મચારીઓએ ગઇકાલે પગાર વધારાની માંગણી સાથે સિવિલ હોસ્પિટલ ચોકમાં પહોંચી સુત્રોચ્ચાર કરતાં સોશિયલ ડિસ્ટન્સ સહિતનો ભંગ થતો હોઇ પોલીસે તાકીદે કાર્યવાહી કરી તમામની અટકાયત કરી હતી અને પોલીસ હેડકવાર્ટર ખાતે લઇ જઇ કાર્યવાહી કરી હતી. આ તમામ કામદારોના મુદ્દાઓનો હકારાત્મક અંત આવે તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને એસીપી એસ.આર. ટંંડેલ તથા ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવી, એ-ડિવીઝનના પીઆઇ સી. જી. જોષી, કુવાડવા રોડના પીઆઇ એમ. સી. વાળા, મહિલા પોલીસ મથકના પીઆઇ એસ.આર. પટેલ, એ-ડિવીઝનના પીએસઆઇ જે. એમ. ભટ્ટ સહિતે સવારના નવથી સાંજના છ સુધી આ તમામ સર્વન્ટ અને સફાઇ કામદારોને સમજાવ્યા હતાં અને કોન્ટ્રાકટર એજન્સીના એમ. જે. સોલંકી સાથે સફાઇ કામદારના આગેવાનોની બેઠક કરાવી વિસ્તૃત ચર્ચાઓ કરાવી મધ્યસ્થીથી બંને પક્ષે હકારાત્મક સમાધાન કરાવ્યું હતું. અંતે તમામ કામદારો ફરીથી હોસ્પિટલમાં નોકરી પર જોડાઇ ગયા હતાં. કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતાં આ તમામ કોરોના વોરિયર્સ સાથે શહેર પોલીસે માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું અને તમામને ભોજન-ચા-નાસ્તો સહિતની સુવિધા આપી હતી.

(12:48 pm IST)