Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કચ્છમાં કોરોનાના દર્દીને પ્લાઝમાં સારવારઃ જી.કે.ના તબીબોને સફળતા

રાજકોટ, તા.૩: કચ્છમાં અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં શરૂ થયેલી કોવિડ-૧૯ હોસ્પિટલ અંતર્ગત કોરોનાના દર્દીઓને અપાતી સારવાર દરમિયાન એક જટિલ કોરોનાગ્રસ્ત દર્દીને તબીબોની દુરંદેશી તેમજ પરિણામલક્ષી મહેનતને સથવારે કોન્વેલેશન્ટ પ્લાઝમા આપી કચ્છમાં પ્રથમ વખત કોરોનાની સારવારમાં યશકલગી પ્રાપ્ત કરી જીલ્લાકક્ષાએ નવું સીમાિાચહ્ર સ્થાપિત કર્યુ છે. કોવિડ કોન્વેલેશન્ટ પ્લાઝમા એટલે કોઇ પણ વ્યકિત કે જેને કોવિડ-૧૯નો ચેણ લાગેલો હોય અને સાજા થયા પછી જેનામાં એન્ટીબોડી ઉત્પન્ન થઇ હોય એ વ્યકિતનું લોહી એટલે કોન્વેલેશન્ટ પ્લાઝમાં કહેવાય છે.

હોસ્પિટલનાં ક્રીટીકલ કેર સ્પેશિયાલીસ્ટ ડો.વિજય ગોસ્વામીએ હોસ્પિટલનાં તંત્રને સાથે રાખી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાંથી કોવિડ કોન્વેલેશન્ટ પ્લાઝમાની જરૂરી વ્યવસ્થા કરી પ્લાઝમાં આપતા આ સફળતા પ્રાપ્ત થઇ છે.

ભુજના એક ૪૫ વર્ષીય દર્દીને કોરોનાને અસર જણાતા તેમજ દર્દીને અન્ય ગંભીર રોગ હોવાને કારણે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની નાજુક પરિસ્થિતિ જોતા તાકીદની સારવાર આવશ્યક જણાતા આઇ.સી.યુ.માં દાખલ કરી હાઇફલો નેઝલ કેન્યુલા નામની નામની ઓકસીજન આપવાની અઘતન સારવાર પદ્વતિ અપનાવવામાં આવી હતી.

દર્દીની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ હોસ્પિટલનાં સતાવાળા અને તબીબોને આ પ્લાઝમાં આપવા અંગે સક્રિયતાપૂર્વક વિચારી પ્લાઝમાં મેળવવાની કોશિશ કારગર નીવડી હતી. અને દર્દીને પ્લાઝમાં આપી આશાનો સંચાર કર્યો હતો.

કચ્છમાં અત્યાર સુધી છેલ્લા ૪ મહિનામાં કોરોનાગ્રસ્ત દર્દીઓએ સારવાર પ્રાપ્ત કરી અને સાજા થયા હોય તેઓએ અત્યારે સારવાર લેતા દર્દીઓને મદદરૂપ થવા તેમનો પ્લાઝમા દાન કરવા જી.કે.જનરલ હોસ્પિટલનાં સતાવાળાઓએ અનુરોધ કર્યો છે. પ્લાઝમાં આપવાની ઇચ્છા ધરાવતા અને ૫૫ વર્ષની વયમર્યાદા ધરાવતા વ્યકિતઓએ હોસ્પિટલની બ્લડબેંક ફોન નં.૦૨૮૩૨ ૨૪૬૩૨૮ ઉપર સવારે ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા દરમિયાન સંપર્ક સાધવા જણાવાયું છે.

(11:32 am IST)