Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

તળાજા પાલિકામાંથી ભાજપની સત્તા જવાનું કારણ ખરાબ રસ્તાઓ !

ભાવનગર તા.૨૮ : ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકામા છેલા સત્તર વર્ષથી ભાજપનું સાશન છે. ભાજપ વિકાસની વાતના આધારે ચુંટાઈ આવે છે.હાલ જે સત્તા પરિવર્તન આવ્યૂ તે ખાસ કરીને વિકાસના બદલે મુસાફરો માટે વિનાશક બન્યો હોવાની સતત ફરિયાદ કરવા છતાંય સાંભળવામાં ન આવવાનું કારણે વિપક્ષ અને નવા ચૂંટાયેલા પ્રમુખ કહી રહ્યા છે. અખબારોમાં રસ્તાઓ બન્યા ખાબોચિયા ખાડાઓ વાળા અહેવાલ બાદ પાલિકા દ્વારા ખાડાઓ બુરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભાજપ સત્તાના મદમા રાચી રહ્યો હોય તેમ લાગી રહયુ છે. તળાજાના અતિશય બિસ્માર બનેલા રસ્તાને રીપેર કરવા માટે પ્રથમ વખત એવું બન્યું હતું કે વેપારી વર્ગ એક થયો. રસ્તો રીપેર કરવાની માંગ કરી તેમ છતાંય પાલિકા ધૂળ ન ઉડે તે માટે રસ્તો રીપેર કરવાના બદલે ફાયર ફાઇટર દ્વારા પાણીનો છંટકાવ કરીને સંતોષ માનતી રહી. તેનું પરિણામ આજે સ્વંય સતાસ્થાને બેસેલ ભાજપના નગરસેવકોને ભોગવવાનો વખત આવ્યો. કોંગ્રેસને જે જોઈતું હતું તે મળી ગયુ.

પાલિકાના પ્રમુખ ની ચૂંટણી માં કોંગ્રેસના ટેકાથી પ્રમુખ પદ હાંસલ કરનાર વિનુભાઈ વેગડના જણાવ્યા મુજબ તળાજામાં રસ્તામાં થતો ભ્રષ્ટાચાર સત્તા પરિવર્તનનું મુખ્ય કારણછે. અસંતોષની શરૂઆત ત્યારથી થઈ જયારે હું રસ્તાની નબળી ગુણવત્તાની ફરિયાદ સ્થાનિકથી લઈ પ્રદેશ સંગઠન સુધી કરી. કોઈએ વાત સાંભળી નહિ. તેમ પ્રમુખ વિનુભાઇ વેગડ કહે છે.

વિપક્ષ નેતા સોયબખાન પઠાણના મત મુજબ ભાજપની સત્તા જવાનું મુખ્ય કારણ તળાજાના રસ્તાઓ છે. ડામર તો ઠીક આર.સી.સી રસ્તાઓ જેને વર્ષો સુધી કઈ ન થાય તે પણ બનેને તૂટવા લાગે ભાજપના સાશનમાં. ભાજપમાંથી ચૂંટાયેલ વિનુભાઈ વેગડ એ ખરાબ રસ્તાના મામલે જ જનતા વતી અવાજ ઉઠાવ્યો હતો. તેનો અવાજ સાંભળવામાં ન આવ્યોને કોંગ્રેસે આપેલ ટેકાથી ભાજપે સતા ગુમાવવી પડી.

(11:44 am IST)