Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

હળવદ પંથકમાં ગૌવંશ પર હૂમલા કરનાર સામે કડક કાર્યવાહી કરો

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૫: તાલુકામાં ૨૫(પચીસ)થી વધુ ગૌ-વંશ પર ઘાતક હુમલા કરનાર સામે કડક કાર્યવાહી કરવા અને ગૌ-વંશ પર થતા ઘાતક હુમલા રોકવા અંગે માલધારી સમાજના યુવા અગ્રણી જગદીશ ભરવાડે ઈ-મેઈલ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી છે અને અત્યાર સુધીમાં હળવદ પંથકમાં ૨૫ થી વધુ ગૌ-વંશ પર થયેલા ઘાતક હુમલાના આરોપીઓને ઝડપી તેમની સામે સખ્તમાં સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગૌ-પ્રેમી અને માલધારી સમાજના યુવા અગ્રણી જગદીશ ભરવાડે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરી હતી કે, આજે સમગ્ર વિશ્વ કોરોનાની વૈશ્વિક મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આપણા રાજયમાં પણ કોરોનાનો કહેર હજી યથાવત છે,આવી વૈશ્વિક મહામારી વચ્ચે પણ આજે રાજયમાં લગભગ દરરોજ ગૌવંશ પર ઘાતક હુમલા થઈ રહ્યા છે,જેમાં ખાસ કરીને હળવદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી દરરોજ ગૌ-વંશ પર એસીડથી હુમલા,ગૌ-વંશના પગ તોડી પાડવા,આંખો ફોડી નાખવી, શારિરીક રીતે ગંભીર ઈજાગ્રસ્ત કરવી,ગૌ-વંશ ના શરીર પર છરી અથવા કુહાડી વડે ઘા ઝીંકવા જેવા ઘાતક હુમલા કરી ૨૫થી વધુ ગૌ-વંશને ઘાયલ કરવામાં આવ્યાં છે. આવી ઘટનાઓથી આજે દરેક જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે,હુમલાખોરોને કાયદોનો કોઈ ડર નથી તેમ જણાય છે,આવી ઘટનાઓ ખૂબ જ નીંદનીય છે,ગૌ-પ્રેમી ઓ આવી ઘટનાઓ થી દુઃખી છે,આવી ઘટના દરેક માનવીના રૃંવાડા ઊભા કરીદે છે,વહીવટી તંત્રની કાર્યવાહિ સામે સવાલો થવા લાગ્યા છે, પોલીસ તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગે છે.

રાજયમાં ગૌ-વંશની આવી દયનીય પરિસ્થતિ સામે સત્વરે પગલાં લેવામાં આવે,હળવદ પંથકમાં ગૌ-હત્યા અને ગૌ-વંશ પર થઈ રહેલા હુમલા રોકવામાં આવે તેવી માંગ કરી છે.તેમજ ગૌવંશ ઉપર હુમલા કરનાર ગુનેગારો ને સત્વરે ઝડપી લેવામાં આવે,રાજયમાં ગૌ-વંશ ની સુખાકારી જળવાઇ રહે તે માટે આપની સરકાર દ્વારા જ ઘડવામાં આવેલ ગૌ-વંશ ના કાયદા નું કડક હાથે પાલન કરવામાં આવે તેવી તેમણે મુખ્યમંત્રી સમક્ષ અપીલ કરી છે.

(10:02 am IST)