Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

આણંદ જિલ્લાની વાસદ પોલીસે રાત્રીના સુમારે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે 19.39 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી

આણંદ:જીલ્લાની વાસદ પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ગુપ્ત બાતમીના આધારે વાસદની કિસ્મત કાઠિયાવાડી હોટલ સામેના સર્વિસ રોડ ઉપરથી રૂા. ૧૯.૩૯ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક કન્ટેનર મળી કુલ્લે રૂા. ૨૯.૪૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ વાસદ પોલીસની ટીમ ગતરોજ હાઈવે ઉપર પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન વાસદ ટોલનાકાથી આગળ કિસ્મત કાઠીયાવાડી હોટલ સામે સર્વિસ રોડ ઉપર હરીયાણાના નરેશ છાબડાએ મોકલેલ વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક કન્ટેનર ઉભેલ હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસની ટીમ તુરતં બાતમીદારના વર્ણનવાળી જગ્યાએ પહોંચી હતી. જ્યાં એક કન્ટેનર ઉભેલ હોવાનું જોવા મળતા પોલીસે કન્ટેનરના બેઠેલ ચાલકને કન્ટેનરમાં ભરેલ માલસામાન બાબતે પુછતાં અંદર વિદેશી દારૂ ભરેલ હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન પોલીસે કન્ટેનરની તલાશી લેતાં અંદરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ચાલકના નામ-ઠામ અંગે પૂછપરછ કરતાં તે પ્રવીણકુમાર વેદપ્રકાશ યાદવ (રહે. હરીયાણા) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે ચાલક સહિત કન્ટેનર પોલીસ મથકે લાવી તપાસ કરતાં કન્ટેનરમાંથી  રૂા. ૧૯,૩૯,૨૦૦નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

(5:45 pm IST)