Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સુરતના નાનપુરા વિસ્‍તારમાં ગટર સાફ કરવા ઉતરેલા મજૂરનું મોતઃએક બેભાનઃ બંને મંજૂરો સેફટી વગર ગટરમાં ઉતર્યા હતા

સુરત: સુરતના નાનપુરા વિસ્તારમાંં ગટર સાફ કરવા ઉતરેલા બે મજુરોનું ગૂંગળાઇ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમા નાસભાગનો માહોલ છવાય ગયો હતો અને બીજી તરફ ફાયર વિભાગની ટીમ દ્વારા પણ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બંનેને નવી સીવીલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમા એક મજુરનું કરુણ મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમા રહેતા મોમસીંગ આંબલીયા કોન્ટ્રાકટ પર મજુરી કામ કરી પોતાના પરિવારજનોનુ ગુજરાન ચલાવે છે. આજરોજ બપોરના સમયે મોમસીંગભાઇ અને તેમનો સાથી નાનપુરા માછીવાડ સર્કલ પાસે ગયા હતા. જ્યા બંનેજણા કોઇ પણ સેફટી વગર ગટરમાં ઉતર્યા હતા.

જો કે ગટરમાં ઉતર્યા બાદ બંને લોકો ગેસ ગળતરના કારણે ગુગળાય જઇ બેભાન થઇ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાંં નાસભાગનો માહોલ છવાય ગયો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઇ બંનેનુ રેસ્કયું ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું. ફાયર વિભાગે બંનેનુ રેસ્કયું કરી બહાર કાઢી 108 મારફતે નવી સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જવામા આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન મોમસીંગભાઇનુ કરુણ મોત નીપજ્યું હતું.

જ્યારે અન્ય સાથી મિત્રની હાલત ખુબ જ નાજુક જણાય હતી. ઘટનાની જાણ થતા જ અઠવા પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી જઇ કોન્ટ્રાકટરની પુછપરછ કરવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે એસઓપી મુજબ જ્યારે પણ કોઇ મજુરને ગટરમાં ઉતારવામાં આવે છે ત્યારે સેફટી સાધનો સાથે ઉતારવામાં આવતા હોય છે.

જો કે બંને મજુરોને કોઇ પણ પ્રકારની સેફટી સાઘનો આપવામા ન આવતા કોન્ટ્રાકટર વિરુધ્ધ પણ ગમે તે સમયે ગુનો નોંધાય તેવી પુરેપુરી શકયતા જોવા મળી રહી છે. હાલ પોલીસે કન્ટ્રાકટર સાથે સ્થાનિક લોકોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.

(4:17 pm IST)