Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

અમદાવાદમાં ઘરની બહાર લટાર મારવા નીકળેલ હત્‍યાના પ્રયાસના ગુન્‍હામાં ઝડપાયેલ શખ્‍સને અરવલ્લી પોલીસ ઉઠાવી જતા અમદાવાદ અને અરવલ્લી પોલીસ વચ્‍ચે વાકયુદ્ધ

અમદાવાદ: શહેરના સાબરમતીમાં પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી તો પુત્ર અરવલ્લીમાં સોપારી અને હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાય ચુક્યો હતો. ઘર નજીકથી અપહરણ નહિ પણ અરવલ્લી પોલીસ ખાનગી કપડામાં લઇ ગઈ હતી. ઘરની બહાર લટાર મારવા નિકળેલા 22 વર્ષિય યુવકનુ અપહરણ થતા સાબરમતી પોલીસ દોડતી થઈ હતી. સાબરમતી પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ત્યારે સામે આવ્યુ કે યુવકનુ અપહરણ નહી પરંતુ અરવલ્લી જિલ્લા પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે સ્થાનિક પોલીસ કે પરિવારને ધરપકડ અંગે જાણ ન કરતા અમદાવાદ અને અરવલ્લી પોલીસ વચ્ચે વાકયુદ્ધ છેડાયુ હતું.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા કબીર ચોક પાસેથી 22 વર્ષિય યુવક વિનોદ લુહારનુ અપહરણ થયુ હોવાની પોલીસને મેસેજ મળતા શહેર પોલીસ દોડતી થઈ હતી. બનાવની વાત કરીએ તો વિનોદ પોતાના ઘરેથી બહાર નિકળ્યો અને ખાનગી ગાડીમાં આવેલા 3 લોકોએ તેનુ અપહરણ કરી ફરાર થઈ ગયાની પોલીસને જાણ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસની તપાસમા અન્ય જિલ્લાની પોલીસ પણ જોતરાઈ હતી. જેમાં સામે આવ્યુ કે વિનોદની અરવલ્લી એલસીબીએ ધરપકડ કરી હતી. જોકે આ ધરપકડ અંગે સ્થાનિક પોલીસ કે પરિવારને જાણ ન કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો.

જે યુવકના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી, તેની ધરપકડ શા માટે કરવામાં આવી તે અંગે સાબરમતી પોલીસે અરવલ્લી પોલીસનો સંપર્ક કરતા સામે આવ્યુ કે ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામે એક દંપતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ગુનાને અંજામ આપવા માટે આરોપી વિનોદે સોપારી લીધી હતી. જેમાં મહિલા પર જિવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેના પતિને પણ માર મારવામાં આવ્યો હતો. જો કે વિનોદની ધરપકડ બાદ સામે આવ્યુ કે હત્યાની સોપારી પતિ વિજય ગોસ્વામીએ જ આપી હતી. જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે. જોકે હુમલો કરનાર બંન્ને આરોપી ફરાર છે.

અરવલ્લી પોલીસે પોતાના ગુનાના ફરાર આરોપીની ધરપકડ માટે કાયદાને નેવે મુકી કાર્યવાહી કરી છે. બે જિલ્લાની પોલીસ વચ્ચે ઘર્ષણ પેદા થયુ હતુ. પરંતુ હવે હત્યાના પ્રયાસના ગુનાના અન્ય ફરાર બે આરોપી અમદાવાદના જ હોવાથી તે આરોપીને ઝડપી પાડવા માટે બંન્ને જિલ્લાની પોલીસે એક સાથે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે કાયદાનુ પાલન કરાવનાર જ જ્યારે કાયદો તોડે ત્યારે શુ પગલા લેવાય છે.

(4:36 pm IST)