Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

શરીર પર દારૂની બોટલો બાંધી હેરાફેરી કરતો બૂટલેગર જબ્બે

નર્મદામાં દારૂ ઘૂસાડવાનો નવો જ કીમિયો : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં ખૂબ સહેલાઈથી માગો તે બ્રાન્ડનો વિદેશી દારૂ ઉપલબ્ધ કરાવાય છે

નર્મદા,તા.૯ : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં ખૂબ સહેલાઈથી માંગો તે બ્રાન્ડનો વિદેશી દારૂ મળી રહે છે. ગુજરાતના પાડોશી રાજ્યોમાંથી અહીં દરરોજ ગેરકાયદે રીતે દારૂ ઠાલવવામાં આવે છે. રાજ્યમાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો તરફથી નીત નવાં કીમિયા કરવામાં આવે છે. તાજેતરમાં નર્મદા જિલ્લામાં એલસીબીએ એક બુટલેગરની ધરપકડ કરી છે. આ બુટલેગર તરફથી દારૂ ઘૂસાડવા માટે નવો જ કીમિયો અપમાવવામાં આવ્યો હતો. પ્રથમ નજરે જોતા એવું લાગે કે બુટલેગર પાસે કંઈ નથી. પરંતુ થોડી તપાસ કરતા એવી હકીકત સામે આવી કે પોલીસ પણ માથું ખંજવાળવા લાગી હતી. નોંધનીય છે કે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતી રાજ્યની સરહદ પરથી મોટાપ્રમાણમાં દારૂ ઠાલવવામાં આવે છે. નર્મદા જિલ્લાના વણઝર ગામના બુટલેગરની પોલીસે અંગ્રેજી દારૂની બોટલો સાથે ધરપકડ કરી છે.

                 આ બુટેલગરે દારૂ ઘૂસાડવા માટે નવો કીમિયો અપનાવ્યો હતો. જોકે, બુટલેગરો ગમે તેવા કીમિયા કરે પોલીસની નજરમાંથી બચી શકતા નથી. આ વ્યક્તિ પોતાના શરીર પર દારૂની બોટલો બાંધીને દારૂ ઘૂસાડી રહ્યો હતો. રાજ્યની બોર્ડર પોલીસ જ્યારે ચેકિંગમાં હતી ત્યારે આ બુટલેગર દારૂ સાથે ઝડપાયો હતો. વાહનમાં દારૂ લાવતી વખતે તપાસમાં પકડાય જવાનો ડર રહે છે. આથી આ બુટલેગરે નવો જ કીમિયો અજમાવ્યો હતો. બુટલેગરે પોતાના શરીર પર દારૂની બટોલો બાંધી દીધી હતી. બોટલોને છાતી, પેટ અને પીઠના ભાગે રાખીને પ્લાસ્ટિકથી બાંધી દેવામાં આવી હતી. જે બાદમાં તેના પર ટી-શર્ટ પહેરી લેવામાં આવ્યું હતું. ટી-શર્ટ ઉપર બુટલેગરો શર્ટ પહેરી લીધો હતો. એટલે કે પ્રથમ નજરે કોઈને જરા પણ એવું ન લાગે કે બુટલેગર દારૂ લઈને જઈ રહ્યો છે. પોલીસે આ બુટલેગરની ધરપકડ કરીને તેનો શર્ટ અને ટી-શર્ટ ઉતરાવ્યા હતા. તે બાદમાં જે દ્રશ્ય સામે આવ્યું હતું તેને જોઈને ચેકિંગ પર રહેલા પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા. પોલીસે આ બુટલેગરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે આ પહેલા કારના ન્ઁય્ સિલિન્ડરમાં, દૂધના ટેક્નરમાં ખાના બનાવીને, કારની અંદર ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી થતી હોવાનો અનેક બનાવો સામે આવ્યા છે. નર્મદાના બુટલેગરે આ બધાથી પર નવો જ કીમિયો અજમાવ્યો છે.

(7:32 pm IST)