Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૨૬% કોરોના દર્દી હોસ્પિ.માં ૭૨ કલાકમાં જીવ ગુમાવે છે

ગુજરાતમાં હાલ કોરોનાથી મૃત્યુદર ૩.૧ ટકા છે :આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા ૩૦૦૦ કોરોના દર્દી મોતના વિશ્લેષણથી ચોંકવાનારી વિગત સામે આવી

અમદાવાદ,તા.૯ : ગુજરાતમાં કોરોના દર્દીઓને કેટલી ઝડપથી મારી રહ્યો છે? રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ ૩૦૦૦ કોરોના દર્દીના મોતના વિશ્લેષણથી ચોંકવાનારી વિગતો સામે આવી છે જે મુજબ કોરોના લક્ષણોને લઈને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી પૈકી ત્રીજા ભાગના દર્દીઓ કરતા પણ વધારે એટલે કે ૨૬ ટકા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયાના ૭૨ કલાકમાં જ મૃત્યુ પામે છે. જે પૈકી ૫.૮ ટકા દર્દીઓ પહેલા ૨૪ કલાકમાં જ મોતને ભેટે છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ૩૧ ઓગસ્ટ સુધી ૩૦૨૨ દર્દીઓના મોતું વિશ્લેષણ કરવામાં આવ્યું જેથી રાજ્યમાં કોરોનાથી મૃત્યુદરની પેટર્ન સમજી શકાય. ઉચ્ચ અધિકારીએ કહ્યું કે મોટી ઉંમર અને અન્ય અસાધ્ય બિમારીઓના કારણે કોરોના વધુ ઘાતક બની રહ્યો છે. આ મહામારી શરું થઈ ત્યારે પણ કોરોનાથી મૃત્યુ પાછળ આ જ બે કારણો મુખ્યરુપે જવાબદાર હતા. 'રાજ્યમા્ં કોરોનાથી કુલ મૃત્યુના ૬૫ ટકા દર્દીઓને કોઈને કોઈ અસાધ્ય બિમારી પહેલાથી જ હતી.

                     જ્યારે ૫૮ ટકા એવા દર્દીઓના મોત થયા છે જેમનું વય જુથ ૬૦ અથવા તેનાથી વધારે વર્ષમાં હોય. આ ટ્રેન્ડ મહામારીની શરુઆતથી જ દેખાતો આવે છે.' ત્યારબાદ બીજા સૌથી વધુ મૃત્યુ ૪૫થી ૫૯ વય જૂથમાં જોવા મળ્યા છે. જ્યારે બાળકોમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે તેમનો મૃત્યુ દર પણ ૦.૩ ટકા છે. સિવિલ હોસ્પિટલમાં કોવિડ ૧૯ હોસ્પિટલના કોર્ડિનેટર ડૉ. કાર્તિકેય પરમારે કહ્યું 'નવા ટ્રિટમેન્ટ પ્રોટોકોલ અને દવાના કારણે કોરોના દર્દીઓનો મૃત્યુદર સતત ઘટી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ જે થોડા સમયમાં મૃત્યુ જોવા મળે છે તેની પાછળ કોરોના લક્ષણો મોડા દેખાવવા જેવા કારણો જવાબદાર છે. જોકે પાછલા મહિનાથી આ સ્થિતિમાં પણ સુધારો આવી રહ્યો છે. આ વિશ્લેષણમાં એ પણ સામે આવ્યું કે ૫૫ ટકા મૃતકોમાં એકથી વધારે અસાધ્ય રોગની સમસ્યા હતા. જ્યારે ૧૦ ટકા મૃતકો હાઈ રિસ્ક ગ્રુપમાંથી આવે છે.

(7:36 pm IST)