Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

લોકો હવે ડોકટરની ચિઠ્ઠી વગર પણ કોરોના ટેસ્ટ કરાવી શકશેઃ ICMRએ 'ટેસ્ટીંગ ઓન ડિમાન્ડ'ને આપી મંજુરી

કોરોનાનાના કહેર વચ્ચે ટેસ્ટીંગ પોલીસીમાં બદલાવ

નવી દિલ્હી, તા.પઃ કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે ભારતે પોતાની ટેસ્ટિંગ રણનીતિ બદલી છે. અત્યાર સુધી દેશમાં જિલ્લા આરોગ્ય અધિકારી, કોઈ ડોકટર અથવા જે તે વિસ્તારના તંત્ર તરફથી રેન્ડમ તપાસ દરમિયાન જ કોવિડ ૧૯ના ટેસ્ટ થઈ શકતો હતો પરંતુ હવે કોઈ પણ વ્યકિત તેની કોવિડ ૧૯ની તપાસ કરાવી શકે છે. ICMR તરફથી શુક્રવારે કોવિડ-ટેસ્ટિંગ મામલે નવી એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં ટેસ્ટિંગ ઓન ડિમાન્ડ (કોઈ વ્યકિતને જરૂરી લાગે તો ટેસ્ટિંગ કરાવી શકે)ની છૂટ આપવામાં આવી છે. જોકે, સાથે સાથે ICMR તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે જે તે રાજય પોતાની વિવેકબુદ્ઘિ પ્રમાણે આ છૂટમાં ફેરફાર કરી શકે છે.

ICMRના એડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો બીજા દેશની મુસાફરી કરી રહ્યા હોય કે પછી એક રાજયમાંથી બીજા રાજયમાં મુસાફરી કરતા હોય તેમના કોવિડ-૧૯ ટેસ્ટ એન્ટ્રી પોઈન્ટ પર જ નેગેટિવ હોય તો જરૂરી છે. આ ઉપરાંત એવી પણ ભલામણ કરવામાં આવી છે કે કેન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા તમામ લોકોનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવો જોઇએ. એવા શહેરોમાં તો ખાસ જયાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધારે ફેલાયું છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે તે રાજય પોતાની સુવિધા અને જરૂરિયાત પ્રમાણે આ નિયમમાં ફેરફાર કરી શકે છે.

આઈસીએમઆર તરફથી એવી પણ સૂચના આપવામાં આવી છે કે, કોરોનાને ટેસ્ટ ને કારણે ડિલિવરી સહિત એક પણ ઇમરજન્સી મેડિકલ સેવા અટકવી ન જોઈએ. કોરોના ટેસ્ટિંગ સુવિધા ન હોવાને કારણે પ્રેગનેન્ટ મહિલાને બીજે મોકલવામાં આવે તે પણ ઇચ્છનીય નથી. સરકારના આદેશ બાદ લક્ષણ હોય કે ન હોય કોઈ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકે છે. આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોએ છેલ્લા ૧૪ દિવસમાં કોઈ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી છે, તેમનામાંથી લક્ષણો ન હોય તેવા મુસાફરોનો પણ ટેસ્ટ કરવામાં આવશે.

(3:35 pm IST)