Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વેપારીએ વેચેલો માલ પરત આવશે તો GSTમાં માઇનસ રિટર્ન ભરી શકાશે

ત્રણ વર્ષ બાદ જીએસટીને સુવિધા શરૂ કરવાનું યાદ આવ્યું: ચાલુ માસના રિટર્નમાં જ વેપારીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

મુંબઇ,તા.૮ : વેપારી દ્વારા વેચવામાં આવેલો માલ પરત આવે તો પહેલા માલ પરત આવ્યાનો જીએસટી રિટર્નમાં ઉલ્લેખ કરી શકાતો નહોતો તથા માઇનસ રિટર્ન પણ ભરી શકાતું નહોતું. પરંતુ જીએસટીએ તેમાં સુધારો કરીને ચાલુ મહિનાના રિટર્નથી જ વેપારીઓને માઈનસ રિટર્ન ભરવાની પણ સુવિધા આપતા વેપારીઓને સૌથી વધુ રાહત થઇ છે.

વેપારીઓએ માલ વેચ્યા બાદ જયારે તે માલ રિટર્ન આવતો હતો ત્યારે તેના જેટલો જ માલ ચાલુ માસમાં વેચ્યો હોવા છતાં વેચાણ ઓછું બતાવીને વેચાણ કરેલા માલનું એડજસ્ટમેન્ટ કરવામાં આવતું હતું. તેના લીધે વેપારીઓએ જૂના જે બિલમાં માલનું વેચાણ કર્યું હોય તેને શોધીને પરત આવેલા માલનો તાળો બેસાડીને રિટર્ન ભરવું પડતું હતું. તેમાં વેપારીઓએ ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો. આ  માટે અનેક વખત વેપારીઓએ રજૂઆત પણ કરીને રિટર્ન માલ આવે તો તેનું રિટર્ન પણ ભરાય અથવા તો રિટર્નમાં સુધારો કરવામાં આવે તેવી સુવિધા આપવા માટેની વખતો વખત માંગણી કરવામાં આવતી હતી. કારણ કે વેપારીને ત્યાં જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં ઼આવે તો ટેકસ ચોરી કરી હોવાની કાર્યવાહી થવાનો પણ ડર રહેતો હતો. જેથી વેપારીઓ છેલ્લાં ત્રણ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. જયારે જીએસટીને ત્રણ વર્ષ બાદ આ સુવિધા આપવાનું યાદ આવ્યું છે. જીએસટી વિભાગે ચાલુ મહિનામાં ભરવાના થતા રિટર્નમાં જ આ સુવિધા શરૂ કરી દીધી છે. જેથી વેપારીઓએ પહેલા જે માલ વેચ્યો હશે તે અને પરત આવ્યો હશે તે માલની વિગત રિટર્નમાં ભરી શકશે. આ રિટર્ન ભરવાની સાથે જ વેપારીએ ભરેલા ટેકસની રકમ પણ ક્રેડિટ રૂપે તેના ખાતામાં જમા રહેવાની છે. જેથી વેપારીઓના રિટર્ન આવતા માલની વિગતો પણ માઇનસમાં ભરી શકવાની સુવિધા શરૂ કરવામાં આવતા મોટી રાહત થઇ છે.

વેપારીઓને સૌથી મોટી રાહત થઇ

પહેલા રિટર્ન આવતા માલમાં વેપારીઓને તાળો મેળવવામાં સમસ્યા રહેતી હતી. જયારે જે વેપારીઓએ ટેકસની ચોરી કરવા માંગતા નહીં હોય તેવા વેપારીઓને ભારે તકલીફ થતી હતી. આ માટેની સુવિધા શરૂ કરવા માટે અનેક રજૂઆત બાદ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. તેના લીધે વેપારીઓની સૌથી મોટી પરેશાની હાલતો દૂર થઇ છે. (સીએ)

(11:54 am IST)