Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

હવે સંજય રાઉતે કંગનાને કહી Naughty Girl, 'હરામખોર લડકી' બાબતે કરી સ્પષ્ટતા

શિવસેનાના નેતા અને બોલિવૂડ એકટ્રેસ વચ્ચેના શાબ્દિક જંગે વધુ જોર પકડ્યું: હવે સંજય રાઉતે કંગનાને અપાયેલી સિકયોરિટી બાબતે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે

મુંબઈ,તા.૮: કંગના રનોટ અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે છેડાયેલી શાબ્દિક જંગે ફરી એકવાર જોર પકડ્યું છે. સંજય રાઉતે એક પ્રાઈવેટ ચેનલ સાથે વાતચીતમાં પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા કંગના રનોટને સુરક્ષા આપવા પર કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારની છબિ ખરડવા માટે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે મુંબઈ પોલીસને ક્રેડિટ આપતા કહ્યું કે, મુંબઈ પોલીસના કારણે બોલિવૂડમાંથી અન્ડરવર્લ્ડનો સફાયો થયો છે.

સંજય રાઉતે કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી તો ૧૦૦ વર્ષ જૂની છે, કયારેય કોઈએ એમ નથી કહ્યું કે, તેને મુંબઈમાં અસુરક્ષિત અનુભવાઈ રહ્યું છે. એક છોકરીના કહેવાથી મુંબઈ પોલીસ ખરાબ બની જતી નથી. આ મુંબઈ પોલીસે જ શહેરને અન્ડરવર્લ્ડથી છૂટકારો અપાવ્યો છે.

સંજય રાઉતે આગળ જણાવ્યું કે, મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. કંગના થોડી નોટી છે, મેં તેના નિવેદનો સાંભળ્યા છે. અવારનવાર તે આવી રીતે બોલતી રહે છે. કંગના નોટી ગર્લ છે. મારી ભાષામાં હું તેને બેઈમાન કહેવા માગતો હતો અને આવું કહેવા માટે અમે તે શબ્દ (હરામખોર)નો પ્રયોગ કરીએ છીએ.

મુંબઈમાં અસુરક્ષિત અનુભવનારી કંગનાના નિવેદન અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, કંગનાને હવે મુંબઈમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે, કંગનાએ જે રીતે મુંબઈ પોલીસ પર અવિશ્વાસ વ્યકત કર્યો છે અને તેની બદનામી કરી છે તે જોતા કંગનાને અહીં રહેવાનો કોઈ હક નથી.

મુંબઈ પોલીસ પર કરવામાં આવેલી ટિપ્પર પર શરૂ થયેલા રાજકારણ વચ્ચે કંગનાની સુરક્ષા વધારી દેવાઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તેને Y સિકયોરિટી આપવામાં આવી છે. અસલમાં કંગનાએ સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસ અંગે બેબાકી દેખાડી અને બીજી તરફ તેને મહાનગરમાં એન્ટ્રી અંગે ધમકીઓ મળવા લાગી. સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે કંગનાએ પોતાના નિવેદનમાં મુંબઈ પોલીસ પર અવિશ્વાસ વ્યકત કર્યો હતો.

કંગના રનોટ ટ્વીટ કરી હતી કે, 'હું  જોઈ રહી છું કે, ઘણા લોકો મને મુંબઈ પરત ન આવવાની ધમકીઓ આપી રહ્યા છે એટલે મેં નક્કી કર્યું છે કે હું ૯ સપ્ટેમ્બરે મુંબઈ આવીશ. હું મુંબઈ એરપોર્ટ પર પહોંચીને ટાઈમ પોસ્ટ કરીશ, કોઈના બાપમાં હિંમત હોય તો રોકી લે.' સંજય રાઉતે જવાબમાં કહ્યું કે, જે શહેરમાં કંગના રહે છે, જે શહેરમાં તમે રહો છો, જયાં કમાવ છો, તે શહેર અને પોલીસ વિશે જેમ-તેમ વાતો કરો છો. મુંબઈ પોલીસે હુમલામાં લોકોને બચાવ્યા, કસાબને પકડ્યો, કોરોના સંકટકાળમાં ૫૦થી વધુ પોલીસવાળાઓએ પોતાના જીવ આપી દીધા અને તે મુંબઈ પોલીસ વિશે આવી વાતો કહી રહી છે.'

કંગના માટે આ પ્રકારની સ્થિતિને જોતા કંગનાના પિતાએ હિમાચલ પ્રદેશ સરકાર પાસે પોલીસ સુરક્ષાની ડિમાન્ડ કરી હતી. હવે અહેવાલ છે કે, ગૃહ મંત્રાલય તરફથી કંગનાને Yકેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

(11:59 am IST)