Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

નિર્ભય અને ન્યાયપ્રિય ધારાશાસ્ત્રી સ્વ.રામ જેઠમલાણીની આજ 8 સપ્ટે.ના રોજ પ્રથમ પુણ્યતિથિ : આત્માના અવાજ મુજબ કેસ હાથમાં લઇ ન્યાય અપાવવા લાલચ કે વિરોધ વચ્ચે અડગ રહ્યા : અંતિમ શ્વાસ સુધી ન્યાયતંત્ર ઉપરનો વિશ્વાસ જાળવી રાખ્યો : વન રેન્ક પેનશન ,કાળું નાણું વિદેશોમાંથી પાછું લાવવાની ઝુંબેશ સહીત અનેક બાબતો માટે દેશ તેમને સદાય યાદ કરશે

ન્યુદિલ્હી : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી રામ બુલચંદ જેઠમલાણીની આજ 8 સપ્ટેમ્બરના રોજ પ્રથમ પુણ્યતિથિ  છે.14 સપ્ટેમ્બર 1923 ના રોજ તેમનો જન્મ થયો હતો.અને 8 સપ્ટેમ્બર 1919 ના રોજ 96 વર્ષની જૈફ વયે તેમણે ચીર વિદાય લીધી.
નિર્ભય અને ન્યાયપ્રિય ધારાશાસ્ત્રી સ્વ.રામ જેઠમલાણીએ કેસ હાથ ઉપર લેતી વખતે ગુનેગારને પોતાની જાતે ગુનેગાર ગણવાને બદલે ન્યાયતંત્ર ઉપર છોડવાનું અને અગાઉથી કોઈને ગુનેગાર ગણી લેવાનું કૃત્ય અન્યાયી હોવાનું પુરવાર કરી બતાવ્યું હતું.વિવાદાસ્પદ કેસ હાથમાં લેતી વખતે તેઓ પોતાના આત્માના અવાજને અનુસરતા હતા.તથા પોતાના અસીલને ન્યાય અપાવવા માટે લાલચ કે વિપરીત સંજોગો વચ્ચે પણ અડગ રહ્યા હતા.
અનેક જુનિયર વકીલોના માર્ગદર્શક બની રહ્યા હતા.તેમજ સમોવડિયાઓના મિત્ર તરીકે રહ્યા હતા.ન્યાયતંત્ર ઉપરનો વિશ્વાસ તેમણે અંતિમ સમય સુધી જાળવી રાખ્યો હતો.તેઓ એવું માનતા હતા કે દરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે.તેથી વિવાદાસ્પદ ગુનેગારનો કેસ હાથ ઉપર લીધો હોય ત્યારે સમાજની ટીકાનો લેશમાત્ર ડર રાખ્યો નહોતો.
દેશના મોંઘામાં મોંઘા વકીલ હોવા છતાં 10 ટકા જેટલા કેસ કોઈપણ જાતની ફી લીધા વિના લડતા હતા.જેમાં આશારામ બાપુ ,જયલલીથા ,જેવા કેસોનો સમાવેશ થતો હતો.
કેન્દ્ર સરકારે વન રેન્ક વન પેનશન કેસમાંથી પીછેહઠ કરી ત્યારે પણ 93 વર્ષની જૈફ વયે પણ સૈનિકોને  ન્યાય અપાવવા મક્કમ રહ્યા હતા.સામાન્ય પબ્લિકને પૂરતો ન્યાય મળી રહે તે તેમનો જીવનમંત્ર હતો.તેમની ન્યાય તંત્ર માટેની કામગીરીની યાદી બહુ લાંબી છે.તેઓ વકીલાત ક્ષેત્રમાં એક દંતકથા સમાન બની રહ્યા હતા.
વિદેશોમાંથી કાળું નાણું પાછું લાવવાની ઝુંબેશ માટેની શરૂઆત તેમણે કરી હતી.તેમજ આ માટે  2009 ની સાલમાં તેઓએ રીટ  પિટિશન પણ દાખલ કરી હતી.તથા 2015 ની સાલમાં તેમણે નિર્ભયતા પૂર્વક આ માટે પોતાના બ્લોગ ઉપર પણ વિદેશોમાં પડેલું  90 લાખ કરોડ રૂપિયા જેટલી રકમનું કાળું  નાણું પરત લાવવું જોઈએ તેવું કહ્યું હતું.
આવા નિર્ભય અને ન્યાયપ્રિય તેમજ સામાન્ય પ્રજાનું હિત હૈયે ધરી લડત આપનારા આ યોદ્ધાને તેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:16 pm IST)