Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ભાઈ શોવિકની સામે બેસાડીને પૂછપરછ થઈ તો રિયા રડવા લાગી

મુંબઈ,તા.૯: નેશનલ નારકોટિકસ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. એનસીબીના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન ભાઈ શોવિક અને સુશાંતની સાથે ડ્રગ્સ લેવાની વાત સ્વીકારી લીધી છે. સૂત્રના જણાવ્યા મુજબ, જયારે રિયા અને તેના ભાઈ શોવિકને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી ત્યારે રિયા રડવા લાગી હતી. એનસીબીએ જણાવ્યું છે કે, રિયાના ઘરેથી જે ઈલેકટ્રોનિકસ ગેજેટ્સ મળ્યા છે તેમાંથી ડ્રગ્સ સાથે સંલગ્ન કેટલાક પુરાવા મળ્યા છે. એનસીબીના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન રિયાએ સ્વીકાર્યું છે કે તેણે કેટલીક વખત ડ્રગ્સ લીધા જો કે તેણે ડ્રગ પેડલર સાથે સીધા સંપર્કમાં હોવાની વાતનો ઈનકાર કર્યો છે. લોકડાઉન બાદ જયારે ડ્રગ્સ મળ્યા નહીં ત્યારે રિયાએ શોવિકને કહીને ડ્રગ્સ મંગાવ્યા હતા. રિયાએ જણાવ્યું હતું કે, સુશાંત ઘણા સમય પહેલાથી જ ડ્રગ્સ લેતો હતો અને સુશાંતના કહેવા પર જ તેણે ડ્રગ્સ મંગાવ્યા હતા. નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ કનેકશનમાં રિયાની આજે ધરપકડ કરવામાં આવી છે. સોમવારે રિયા પૂછપરછ માટે એનસીબી સમક્ષ હાજર રહી હતી. અગાઉ રવિવારે એનસીબીએ રિયાની લગભગ છ કલાક સુધી પૂછપરછ કરી હતી.

(11:20 am IST)