Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ડ્રગ કાર્ટેલ સાથે સંકળાયેલી બોલીવૂડની ૨૫ હસ્તી એનસીબીના રડાર ઉપર

મુંબઈ,તા.૯: અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની પૂછપરછમાં મળેલી માહિતી પરથી ડ્રગ કાર્ટેલ સાથે કથિત રીતે સંકળાયેલી બોલીવૂડની પચીસ હસ્તી નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના રડાર પર આવી ગઈ હોવાનું કહેવાય છે. એનસીબી આવી હસ્તીઓનું લિસ્ટ બનાવી રહી હોવાના અહેવાલથી બોલીવૂડમાં જાણે ભૂકંપ આવ્યો હતો.

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસ સાથે કડી ધરાવતા ડ્રગ્સ તસ્કરી કેસમાં એનસીબીએ રિયાની ધરપકડ પૂર્વે તેના ભાઈ શોવિક ચક્રવર્તી અને અભિનેતાના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા, પર્સનલ સ્ટાફ મેમ્બર દિપેશ સાવંતની ધરપકડ કરી હતી.

કહેવાય છે કે શોવિક અને રિયાએ પૂછપરછમાં ડ્રગ કાર્ટેલ સાથે કથિત રીતે સંકળાયેલી બોલીવૂડની હસ્તીઓનાં નામ જાહેર કર્યાં હતાં. બોલીવૂડ સાથે સંકળાયેલા લગભગ પચીસ જણનું લિસ્ટ એનસીબી તૈયાર કરી રહી છે. આમાં બોલીવૂડના એ, બી અને સી કેટેગરીના લોકોનો સમાવેશ હોવાનું કહેવાય છે. એનસીબીએ રિયાના નિવાસસ્થાને સર્ચ હાથ ધરીને ઈલેકટ્રોનિક ગેઝેટ્સ તાબામાં લીધા હતા. તેની તપાસમાં પણ કેટલીક મહત્ત્વની માહિતી મળી હોવાનું કહેવાય છે. જે રિયા અને શોવિકની પૂછપરછમાં જે લોકોનાં નામ પ્રકાશમાં આવ્યાં છે તેમને પૂછપરછ માટે હાજર થવાના સમન્સ દસેક દિવસમાં મોકલવામાં આવશે.

(11:21 am IST)