Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

NEET-JEE examsના વિરોધમાં કોંગ્રેસે બોલાવેલી બેઠકમાં મમતા અને ઠાકરે કેન્દ્ર પર ત્રાટકયા

સૌ પહેલા નક્કી કરી લો, લડવુ છે કે ડરવુ છેઃ મહારાષ્ટ્ર સીએમ ઠાકરેઃ તમામ વિપક્ષ દળોને ભેગા મળી સુપ્રીમ કોર્ટમાં સરકારનો વિરોધ કરવો જોઇએઃ મમતા બેનરજી

નવી દિલ્હી,તા. ૨૭: નેતૃત્વના વિવાદમાં ફસાયેલા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી મોદી સરકારના વિરોધમાં બિન ભાજપ શાસિત રાજયો અને કોંગ્રેસને સમર્થન આપતી પાર્ટીઓને ભેગા કરવામાં સફળ રહ્યા છે, જેમાં એક સમયે કોંગ્રેસથી નારાજ બંગાળના સીએમ મમતા બેનરજીએ તેમનો સાથ પૂરાવ્યો છે. સોનિયા ગાંધીએ આ બેઠક NEET-JEE પરીક્ષાના મુદ્દે બોલીવી હતી.

જોકે આ બેઠકમાં તેમણે પહેલો મુદ્દો જીએસટીનો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીનું કહેવુ હતું કે રાજય સરકારોને જીએસટીની ચૂકવણી સમયસર મળવી જોઇએ. તેમણે જીએસટી પેયમેન્ટને રાજયો માટે મહત્વનો મુદ્દો ગણાવ્યો હતો જેના લીધે રાજય સરકારોને આર્થિક સ્થિતિમાં મદદ મળે છે. બીજી તરફ મમતા બેનરજીનું કહેવુ હતું કે NEET-JEEની પરીક્ષાઓ હાલના સમયમાં લેવી એ યોગ્ય પગલુ નથી. તેમણે આ મુદ્દે તમામ વિપક્ષ દળોને ભેગા મળી સુપ્રીમ કોર્ટમાં સરકારનો વિરોધ કરવાની વાત કરી હતી. મમતા બેનરજીએ મુદ્દો ઉઠાવતા કહ્યુ કે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે અને લોકડાઉન જેવી સ્થિતિને પરિણામે ટ્રાન્સપોર્ટની સુવિધા પણ અસ્તવ્યસ્ત છે.

આ મીટિંગમાં મહારાષ્ટ્રના સીએમ ઉદ્ઘવ ઠાકરે પણ આક્રમક રુપમાં જોવા મળ્યા હતા, તેમણે આ મુદ્દે સ્પષ્ટ કહ્યુ હતું કે, સૌએ પહેલા એ નક્કી કરવાનુ છે કે, લડવુ છે કે ડરવુ છે.

આ બેઠકમાં અશોક ગહલોત, ભૂપેશ સિંહ બધેલ, કેપ્ટન અમરિંદર સિંહ, નારાયણસ્વામી, ઉદ્ઘવ ઠાકરે, હેમંત સોરેન અને મમતા બેનરજીએ ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, NTA NEET-JEE પરીક્ષાઓનું ઓયોજન કરવાનો નિર્ણય લીધો છે, જેને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી પણ મળી છે. જયારે કોંગ્રેસ સહિત શિવસેના અને ટીએમસી કોરોના કાળમાં વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે પરીક્ષાઓ ટાળવાની માંગ કરી રહ્યા છે.

(11:07 am IST)