Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાજકોટના પોલીસમેન નિર્મળસિંહ ઝાલા પર ખોરાણાની વાડીમાં ભૂપત શિયાળ સહિતનો હુમલોઃ હાથમાં ફ્રેકચર

વાડીમાં ઢોર ઘુસતાં કડીયા કામે આવેલા પ્રવિણભાઇ ઉભડીયાએ બહાર કાઢવાનું કહેતાં ભુપત, રણછોડ, છેલા સહિતના તૂટી પડ્યાઃ પ્રવિણભાઇની ફરિયાદ પરથી એટ્રોસીટી હેઠળ કાર્યવાહી

રાજકોટ તા. ૯: શહેરની માઉન્ટેન પોલીસ લાઇનમાં રહેતાં અને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ. નિર્મળસિંહ મહિપતસિંહ ઝાલા (ઉ.વ.૩૫) ખોરાણા ગામે તેમની વાડીએ હતાં ત્યારે ખેતરમાં ઢોર ઘુસી ગયા હોઇ તેને બહાર કાઢવાનું ખેતરમાં કડીયા કામ કરવા આવેલા વ્યકિતએ કહેતાં ઢોરના માલિકોએ ઝઘડો કરી પોલીસમેનને પાઇપ-લાકડી ફટકારી હાથ ભાંગી નાંખતા તેમજ કડીયા કામે આવેલા મજૂરને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી છે.

આ બારામાં કુવાડવા રોડ પોલીસે બેડી ગામે રહેતાં પ્રવિણભાઇ દેવજીભાઇ ઉભડીયા (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી ગવરીદડની સીમમાં રહેતાં ભુપત ઓઘડભાઇ શિયાળ, રણછોડ ભુપતભાઇ શિયાળ, છેલા ઓઘડભાઇ શિયાળ, ભૂપત જાદવનો છોકરો અને અજાણ્યા એક શખ્સ સામે આઇપીસી ૩૨૩, ૩૨૫, ૧૧૪, ૧૩૫ અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પ્રવિણભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે કડીયા કામની મજૂરી કરે છે. હાલમાં ખોરાણા ગામે આવેલી રાજકોટના પોલીસમેન નિર્મળસિંહ ઝાલાની વાડીએ કડીયા કામ ચાલુ હોઇ તે ૭મીએ સાંજે ચારેક વાગ્યે ત્યાં કામ કરતાં હતાં ત્યારે ભુપત ભરવાડ, રણછોડ, છેલા સહિત ત્રણેય પોતાના માલઢોર લઇને આવ્યા હતાં અને વાડીમાં આવવા દેતાં તેને આ રીતે ઢોર અંદર નહિ મોકલવા સમજાવ્યા હતાં.

આથી ત્રણેયએ તને શું વાંધો છે? કહેતાં પ્રવિણભાઇએ માલઢોર વાડીમાં નુકસાન કરશે...તેમ કહેતાં ત્રણેયએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી વાડી માલિક નિર્મળસિંહ ઝાલા આવી જતાં તેની સાથે પણ માથાકુટ કરી પાંચેય જણાએ હુમલો કર્યો હતો. જેમાં ભુપતે પાઇપનો ઘા નિર્મળસિંહના હાથમાં મારી દઇ ફ્રેકચર કરી નાંખતા તેમજ લાકડીથી પણ માર મારતાં સારવાર માટે દાખલ થયા હતાં.

કુવાડવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:59 pm IST)