Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સિવિલ કોવિડના સફાઇ કર્મયોગીઓની કોરોના સામેનો જંગ જીતવામાં મોટી ને મહત્વની ભુમિકા

સંકટ સમયે પોતાની અને પરિવારની ચિંતા છોડી ગોૈરવભેર ફરજ બજાવી રહ્યા છે સફાઇ કર્મચારીઓ

રાજકોટ તા. ૯ : કોરોના વાયરસના સંકટમાં પ્રથમ હરોળના યોદ્ઘાઓ એવા અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ અદા કરતા એવા સફાઈ કર્મયોગીઓની કોરોના સામેનો જંગ જીતવામાં મહત્વની ભૂમિકા રહેલી છે, ત્યારે પોતાની અને પોતાના પરિવારની ચિંતા છોડીને આનંદ અને ગૌરવ સાથે કોવિડ કેર સેન્ટરમાં સફાઈ કર્મીઓ ફરજ નિભાવી રહ્યા છે.

કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં સાફ સફાઈની કામગીરીની દેખરેખ રાખવાની અને સફાઈના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળી રહેલા  સેનેટરી ઇન્સ્પેકટર શ્રી સંજય રાજાણી કહે છે કે, તાલીમબદ્ઘ સફાઈ કર્મીઓને જ કોવિડ વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે. કોવિડ વોર્ડનો કચરો અને બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ થાય તેની પુરતી તકેદારી લેવામાં આવે છે. સફાઈ કર્મીઓને ફરજ સોંપતા પહેલાં બાયોમેડીકલ વેસ્ટ, પીપીઈ કીટ કેમ પહેરવી, ડોફિંગ, ડોનિંગ વગેરેની નર્સિંગ સુપ્રીટેડન્ટ, એચ. આર. મેનેજર અને આઈ.સી.એન. દ્વારા તાલીમ આપવામાં આવે છે. ત્યાર બાદ કોવિડ વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલમાં સરવન્ટ તરીકે ફરજ બજાવતા પાર્વતીબેન ખીમસૂરિયા કહે છે કે, અમે કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય સ્વભાવિક રીતે પરિવારજનોને કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ભય રહેતો હોય છે. પણ અહીંયા અમારી પૂરતી કાળજી અને પ્રિકોસન લેવામાં આવે છે. મારા ભાગે કોવિડ -૧૯થી સક્રમિતોને  જમાડવા અને અશકત કે ચાલી ના શકતા તેવા દર્દીઓને શૌચાલય લઈ જવાની સેવા,  ઉપરાંત કોવિડ વોર્ડની સાફ સફાઈની કચરા પોતાની કામગીરી કરવાની રહે છે, ત્યારે આ સંકટના સમયે આ કામગીરી કરવાનું  ગૌરવ અનુભવી રહી છું, તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી.

સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ કર્મી ડાયાભાઈ સરવૈયા કહે છે કે, શૌચાલયની સાફ સફાઈ, કચરા પોતા અને સેમ્પલિંગ લઈ જવા સંબંધિ કામગીરી કરવાની રહેતી હોય છે. સાથે અમે પણ કોરોનો વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહી શકે તે માટે ઘરમાં પણ સામાજિક અંતર જાળવવાની સાથે અન્ય પણ પ્રિકોસન લઈ રહ્યા છીએ. જેથી ખુદને અને પોતાના પરિવારને પણ સુરક્ષિત રાખી શકાય. રાજય સરકારના સંવેદનશીલ અભિગમ  અંતર્ગત  સફાઇના કર્મ થકી રાજકોટમાં કોરાના દર્દીઓની સેવા  થઇ રહી છે.

(2:43 pm IST)