Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સ્ટોન કિલર મહેશ ઉર્ફ હરેશ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતો ને ખોટા રોફ જમાવતો એટલે કાવત્રું ઘડી પતાવી દીધો'તો

નવરંગપરા-૧૧માં ગણેશભાઇના કારખાનાની છત પર થયેલી હત્યાનું રહસ્ય ખુલવા સાથે ચોંકાવનારી વિગતો સામે આવીઃ અજીત બાબર, વિજય ઉર્ફ દુઃખે ઢોલી અને ફરમાન ઉર્ફ નેપાળીએ મળીને કરી હતી હત્યાઃ બે પકડાયા-નેપાળી શખ્સ ફરારઃ માલવીયાનગર અને ક્રાઇમ બ્રાંચને સફળતા : શુક્રવારની રાતે મહેશ ઉર્ફ કાળુ અગાસીએ અજીત સાથે સુતો'તો ત્યારે વિજય અને ફરમાન આવ્યાઃ વિજયએ માથામાં ઇંટ મારતાં મહેશ ઉર્ફ કાળુ ઉભો થયો એ સાથે વિજય અને અજીતે પાછળથી પકડી લીધો અને ફરમાન ઉર્ફ નેપાળીએ પથ્થર ફટાકર્યોઃ પછી વિજયએ પણ પથ્થરના ઘા ઝીંકી માથું છુંદી નાંખ્યું'તુઃં હત્યા બાદ ત્રણેય વિજયના કારખાનામાં નિરાતે સુઇ ગયેલાઃ સવારે ભાગ્યા : જેતપુરમાં પાંચ વર્ષ પહેલા મહેશનો અજીત સાથે ભેટો થયેલોઃ ત્યારથી શોષણ કરતોઃ કોઇ પુછે તો અજીત પોતાનો દિકરો હોવાનું પણ તે જણાવતો! :મહેશ ઉર્ફ હરેશે અજીતને રાજકોટમાં વાળંદ કામની કેબીન કરી દીધી'તીઃ એ પછી બે વર્ષ અજીત દુબઇ નોકરી કરી આવ્યોઃ લોકડાઉનમાં પાછો આવતાં મહેશે ફરીથી તેનું શોષણ ચાલુ કર્યુ'તું

રહસ્ય ઉકેલાયું: સ્ટોન કિલર તરીકે ઓળખાતા મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળીયોની હત્યાનું રહસ્ય ઉકેલાતાં તેની વિગતો ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ વી. કે. ગઢવી અને પીઆઇ કે. એન. ભુંકણે આપી હતી. સાથે ટીમ અને બાજુમાં વિજય ઉર્ફ દુઃખે તથા અજીત બાબર (સફેદ માસ્ક) જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: મવડી પ્લોટના નવરંગપરા-૧૧માં કારખાનાની છત એક સમયના સ્ટોન કિલર મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળુ મગનભાઇ સનુરા (ઉ.વ.૪૯)ની પથ્થર ફટકારી માથું છુંદીને કરવામાં આવેલી હત્યાનો ભેદ  માલવીયાનગર અને ક્રાઇમ બ્રાંચની ટીમે  ઉકેલી નાંખ્યો છે. તે સાથે ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે.  હત્યાનો ભોગ બનનાર સ્ટોન કિલર મુળ  પોરબંદરના ભાણવડના સાજડીયાળીના શખ્સ અજીત નામના યુવાન સાથે સતત અવાર-નવાર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતો હતો અને રાજકોટના જ પોતાની સાથે ઉઠક-બેઠક ધરાવતાં વિજય તથા ફરમાન ઉર્ફ નેપાળી સાથે વારંવાર રોફ જમાવી સીન સપાટા કરતો હોઇ આ ત્રણેય તેનાથી કંટાળી જતાં તેના ત્રાસમાંથી કાયમી છૂટકારો મેળવવાનો પ્લાન ઘડી ગયા ગુરૂ-શુક્રની મોડી રાતે તેને તે જે રીતે પથ્થર મારી હત્યા કરતો એ જ રીતે તેને પતાવી દીધો હતો.

હત્યાની આ ઘટનાનો ભેદ ઉકેલવા માલવીયાનગર પોલીસ મથકની ટીમ અને ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગી હતી. ૨૫ જેટલા શકમંદોને ઉઠાવી લઇ પુછતાછનો દોર શરૂ કરાયો હતો. તેમજ હત્યાનો ભોગ બનનાર મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળુ કોની-કાની સાથે મિત્રતા ધરાવતો હતો? તે વધુ કોની સાથે દેખાતો હતો? તે સહિતના મુદ્દે અને ટેકનિકલ રીતે પણ તપાસ થતાં પોલીસની નજર સામે વિજય ઉર્ફ દુઃખે, મુળ ભાણવડ પંથકનો અજીત બાબર અને વિજય સાથે કામ કરતો તેનો કારીગર ફરમાન ઉર્ફ નેપાળી આવ્યા હતાં. આ ત્રણમાંથી વિજય ઉર્ફ દુઃખે રમેશભાઇ ઢોલી (ઉ.વ.૨૧) (રહે. હાલ રામદર્શન ટ્રાનસપોર્ટ સામે ઓટવર્ક કારખાના ઉપર ઓરડીમાં)ને માલવીયાનગર પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમે ઉઠાવી લીધો હતો.

બીજો શકમંદ અજીત ગોગનભાઇ બાબર (ઉ.વ.૨૧) (રહે. સાજડીયાળી, તા. ભાણવડ જી. દેવભુમિ દ્વારકા)ને તેના ગામ તરફ ગયો હોવાની માહિતી મળતાં ડીસીબીના પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમે ત્યાં પહોંચી તેને ઉઠાવી લીધો હતો. આ બંનેની વિસ્તૃત અને ઉંડાણપુર્વક પુછતાછ થતાં હત્યાની સમગ્ર હકિકતો સામે આવી હતી. વિજય ઉર્ફ દુઃખે મુળ મહીસાગર જીલ્લાના લુણાવાડા તાબેના કાકાના ભેસાવાડા ગામનો વતની છે અને ઘણા સમયથી મવડી નવરંગપરા વિસ્તારમાં રહી કારખાનામાં કામ કરી ઓરડીમાં રહે છે.

આરોપી અજીત બાબરે હત્યા પાછળ જે કારણ કહ્યું તે જાણીને પોલીસ પણ ચોંકી ગઇ હતી. અજીતે કહ્યું હતું કે હું પાંચ વર્ષ પહેલા જેતપુર અંકુર હોટેલ ખાતે હતો ત્યારે મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળીયો સાથે ઓળખાણ થઇ હતી. ત્યારે બંને વચ્ચે મિત્રતા થઇ હતી. આ મિત્રતાનો પછીથી મહેશ ઉર્ફ હરેશે ગેરલાભ લેવાનું ચાલુ કર્યુ હતું અને મારી સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવા માંડ્યો હતો. આવું નહિ કરવા તેને હું સમજાવતો પરંતુ તે મને ડરાવતો હતો અને મારા ઘરના લોકોને તેમજ બહારના લોકોને આ વાત જણાવી દેશે તેમ કહી સતત શારીરિક શોષણ કરતો હતો.

એ પછી હું અને મહેશ ઉર્ફ હરેશ રાજકોટ રહેવા આવી ગયા હતાં. અહિ અજીતને મહેશ ઉર્ફ હરેશે વાળંદ કામની કેબીન કરી આપી હતી. એ વખતે મહેશ બધાને અજીત પોતાનો દિકરો છે તેવું કહેતો હતો. ત્યારબાદ હું (અજીત) બે વર્ષ માટે દુબઇ કામ કરવા જતો રહ્યો હતો. તે ગત તા. ૧૦/૩/૨૦૨૦ના રોજ કોરોનાને કારણે હું દુબઇથી પરત રાજકોટ આવી ગયો હતો અને એ પછી મારામુળ વતન સાજડીયાળી જતો રહ્યો હતો અને પિતા સાથે રહેવા માંડ્યો હતો. આ વાતની જાણ મહેશ ઉર્ફ હરેશને થતાં એપ્રિલ મહિનામાં તેણે મને ફોન કરી રાજકોટ બોલાવ્યો હતો. હું બે-ચાર દિવસ માટે રાજકોટ આવ્યો હતો અને ફરીથી મહેશે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવાનું ચાલુ કર્યુ હતું.

આ રીતે દર ૧૫-૨૦ દિવસે તે મને બોલાવતો હતો અને મારી સાથે ન કરવાનું કરતો હતો. આજથી એક મહિના પહેલા પણ તેણે ફરીથી મને રાજકોટ બોલાવ્યો હતો. ત્યારે મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળીયાને તેના મિત્ર વિજય ઉર્ફ દુઃખે સાથે બોલાચાલી થઇ હતી અને તેણે રોષે ભરાઇ વિજયના ગળે છરી રાખી દીધી હતી. ત્યારે મહેશે વિજય ઉર્ફ દુઃખે સામે એવા સીન કર્યા હતાં કે તેણે અને તેના મિત્ર બાદલે મળી અગાઉ બે જણાને પથ્થર ફટકારી મોઢુ છુંદી નાંખી હત્યા કરી હતી. તમે પણ મારી સામે થશો તો તમારી હાલત પણ આવી જ થશે. આવું કહી તે તેના મિત્ર વિજય ઉર્ફ દુઃખેની સામે રોફ જમાવતો હતો. તેમજ વિજય સાથે કામ કરતાં ફરમાન ઉર્ફ નેપાળી સામે પણ મહેશ ઉર્ફ કાળુએ આવા ખેલ કર્યા હોઇ નેપાળીને પણ મહેશ ઉર્ફ કાળુ પર ખુબ ગુસ્સો હતો.

અજીત બાબરે પોલીસને આગળ કહ્યું હતું કે-હું તો મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળુ પ્રજાપતિથી દુભાયેલો હતો જ. હવે તેના મિત્રો વિજય ઉર્ફ દુઃખે અને ફરમાન ઉર્ફ નેપાળી પણ તેની વિરૂધ્ધ થઇ ગયા હતાં. મહેશ ઉર્ફ હરેશ જ્યારે પણ અમે બધા સાથે હોય ત્યારે પોતાની અને મિત્ર બાદલની વાતો કરી કઇ રીતે બબ્બે ખૂન પથ્થરા ફટકારી માથા છુંદીને કર્યા હતાં તેની વાતો કરતો અને નાની-નાની વાતે અમારી સામે થઇ જઇ સીન જમાવી મારામારી કરી લેતો હતો. આથી અમે ત્રણેય કંટાળ્યા હતાં અને કાયમી ધોરણે તેનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન ઘડ્યો હતો.

નક્કી થયા મુજબ ગુરૂવારે તા. ૦૩/૦૯ની સાંજે મહેશ ઉર્ફ હરેશે ફરીથી ફોન કરીને મને (અજીતને) રાજકોટ બોલાવ્યો હતો. હું એ દિવસે બપોરે રાજકોટ આવ્યો ત્યારે મહેશે મારી સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતું. ત્યારબાદ હું એક પરિચીત દુબેના કારખાને જતો રહ્યો હતો અને ત્યાં જ રોકાયો હતો. હવે મહેશનો કાંટો કાઢી નાંખવો હોઇ વિજય ઉર્ફ દુઃખી તથા ફરમાન ઉર્ફ નેપાળી સાથે પ્લાન ઘડી લીધો હતો. તે મુજબ શુક્રવારે તા. ૪ના સાંજે વિજય ઉર્ફ દુઃખે જ્યાં કામ કરે છે એ કારખાનાની છત પર હત્યા કરવાનું નક્કી કર્યુ હતું.

પ્લાન મુજબ હું અને મહેશ ઉર્ફ હરેશ પિતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝના ધાબા ઉપર ગયા હતાં. ત્યાં પાછળથી દુઃખે અને ફરમાન પણ આવ્યા હતાં. હું અને મહેશ સાથે બેઠા હતાં. થોડીવાર રહીની વિજય ઉર્ફ દુઃખે તથા ફરમાન જતાં રહ્યા હતાં. એ પછી અડધા કલાક બાદ પરત આવ્યા હતાં ત્યારે હું અને મહેશ બાજુ બાજુમાં સુતા હોઇ પ્લાન મુજબ વિજયએ મહેશને માથામાં ઇંટ ફટકારી હતી. તે ઉભો થઇ ભાગવા જતાં જ મેં અને વિજયએ તેને પકડી લીધો હતો અને ફરમાન નેપાળીએ પથ્થર ઉપાડી મહેશને ઘા ફટકાર્યો હતો. એ પછી વિજય ઉર્ફ દુઃખેએ પણ ઘા ફટકારી મોઢુ છુંદી નાંખ્યું હતું.

અજીત બાબરે આગળ કહ્યું હતું કે મહેશ ઉર્ફ હરેશનું ઢીમ ઢળી ગયાની ખાત્રી બાદ વિજય ઉર્ફ દુઃખે મને અને નેપાળીને તેના કારખાનાની ઓરડીએ લઇ ગયો હતો. જ્યાં અમે નિરાતે સુઇ ગયા હતાં. એ પછી ૫મીએ સવારે વિજય ઉર્ફ દુઃખે મને મહેશના બાઇક મારફત ગ્રીનલેન્ડ ચોકડીએ મુકી ગયો હતો અને નેપાળીને પણ તેણે ભગાડી દીધો હતો. હું મારા ગામડે જતો રહ્યો હતો.

પોલીસે વિજય ઉર્ફ દુઃખેની પુછતાછ કરતાં તેણે કબુલ્યું હતું કે અજીતે જે વાત જણાવી તે મુજબ જ પ્લાન ઘડી હત્યા કરી છે. હત્યા બાદ બીજા દિવસે અજીતને ગ્રીનલેન્ડ ચોકડીએ ઉતારી મહેશ ઉર્ફ હરેશના મોબાઇલનું સિમકાર્ડ કાઢી કારખાનામાં કામ કરતાં શખ્સનો મોબાઇલ લઇ તેમાં સિમકાર્ડ ભરાવી પોલીસને ફોન જોડ્યો હતો. પરંતુ ફોન ન લાગતાં ૧૦૮માં ફોન કરી મણીનગરમાં એક માણસનું મર્ડર થયું છે તેમ કહી ફોન કટ કરી સિમ કાર્ડ પણ કાઢી નાંખ્યું હતું. નોંધનીય છે કે જે તે વખતે પોલીસ તપાસ કરવા પણ પહોંચી હતી પરંતુ જ્યાં હત્યા થઇ એ અગાસી મળી શકી નહોતી.

એ પછી ૭મીએ સોમવારે નવરંગપરા પાછળ મણીનગરમાંથી કોઇએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી પિતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝની છત પર લાશ પડી હોવાની જાણ કરતાં પોલીસે તપાસ કરતાં મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળીયો સનુરાની હત્યા કરાયેલી લાશ મળી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં માલવીયાનગરના પીઆઇ કે. એન. ભુકણ, ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, એસઓજી પીઆઇ આર. વાય. રાવલ, માલવીયાનગરના પીએસઆઇ વી. કે. ઝાલા, ડીસીબીના યુ. બી. જોગરાણા અને બંનેની ટીમોએ આ ડિટેકશન કર્યુ હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કામગીરી કરનાર ટીમોને ૧૫ હજારનું ઇનામ આપ્યું હતું.

મર્યો એ દિવસે પણ ન કરવાનું કરતો ગ્યો!

. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે સ્ટોન કિલર મહેશ ઉર્ફ કાળુ સતત પાંચ વર્ષથી અજીત બાબરનું શારીરિક શોષણ કરતો હતો. જે રાતે મહેશની હત્યા એ પહેલા પણ દિવસના સમયે તેણે અજીત સાથે સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતું. સતત આવું થતું હોવાથી અને મહેશ ધમકાવતો હોવાથી અજીતે મહેશના જ બે જુના મિત્ર પણ હવે દુશ્મન બની ગયેલા વિજય ઉર્ફ દુઃખે અને ફરમાન નેપાળીનો સાથ લઇ હત્યા કરી હતી.

બબ્બે હત્યામાં સામેલ બાદલનું ટ્રક હેઠળ માથું છુંદાયું ને મહેશને મિત્રોએ જ માથું છુંદી પતાવ્યો

. બબ્બે હત્યામાં સામેલ મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળીયો અને બાદલ ઉર્ફ ભેયો જે તે વખતે શંકાનો લાભ મળતાં બંનેનો નિદોર્ષ છુટકારો થયો હતો. પરંતુ છુટ્યા બાદ આજથી બે વર્ષ પહેલા બાદલ ઉર્ફ ભૈયો અટિકામાં સુતો હોઇ ટ્રક રિવર્સમાં આવતાં માથુ છુંદાઇ જતાં મોત થયું હતું. જ્યારે મહેશ ઉર્ફ કાળીયાનું તેના જ મિત્રોએ પથ્થરથી માથુ છુંદી પતાવી દીધો છે. આમ બીજાને આ બંનેએ જે રીતે માર્યા હતાં એ જ રીતે આ બંનેના મોત થયા તે જોતાં લોકો કહી રહ્યા છે કે કુદરત સોૈનો ન્યાય કરે છે.

વિજય ઉર્ફ દુઃખીને ભાગી જવા માટે અજીત ૧૫ હજાર આપવાનો હતો

. અજીત એટલો કંટાળ્યો હતો કે પોતાને મહેશ ઉર્ફ હરેશની જાળમાંથી બચાવવા તેનું મર્ડર કરવામાં જો વિજય ઉર્ફ દુઃખે અને ફરમાન નેપાળી મદદ કરે તો હત્યા બાદ વિજય અને ફરમાનને ભાગી જવા માટે પોતે રૂ. પંદર હજારની મદદ કરશે તેવી વાત પણ એક તબક્કે કરી હતી. પરંતુ ખુદ વિજય અને નેપાળી પણ મહેશથી ત્રાસી ગયા હોઇ તે પૈસા લીધા વગર જ મહેશનો કાંટો કાઢી નાંખવાના પ્લાનમાં જોડાઇ ગયા હતાં.

મહેશે જેમ હત્યા કરી એવી જ રીતે એને ઢાળી દેવાનું નક્કી કરાયું'તું

. મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળીયો પ્રજાપતિએ અગાઉ વર્ષ ૨૦૦૯માં પોતાના સાગ્રીત લલ્લનસિંગ ઉર્ફ બાદલ શિવગોપાલસિંગ ઠાકુર (રહે. ગ્રીલનેન્ડ ચોકડી) પાસે મળી બબ્બે હત્યા કરી હતી. જેમાં એક હત્યા ભગવતીપરાના ફ્રાન્સીસ ઉર્ફ જેકી ક્રિશ્ચીયન તથા સંજય ઉર્ફ ગીલી કોળીની હત્યા પથ્થરો ફટકારીને કરી હતી. તે વખતે મહેશ અને સાગ્રીત બાદલ ભૈયો પકડાયા ત્યારે કહ્યું હતું કે મુંબઇના રામન રાઘવને ફુટપાથ પર સુતા હોય તેવા ૫૪ વ્યકિતના ખૂન કર્યા તેનો રેકોર્ડ તોડી પોતાને રાજકોટમાં ૫૫ ખૂન કરવા છે. જો કે હત્યામાં પકડાયા બાદ આ બંનેને શંકાનો લાભ મળતાં નિદોર્ષ છોડી મુકાયા હતાં. મહેશ આવી વાતો સતત અજીત, વિજય ઉર્ફ દુઃખે અને ફરમાન નેપાળી સામે કરતો હોઇ ત્રણેયએ મહેશ ઉર્ફ હરેશને પણ તેની સ્ટાઇલથી જ પથ્થરો ફટકારી મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન ઘડ્યો હતો અને એ રીતે જ તેની હત્યા પથ્થર ફટકારીને કરી હતી.

મહેશ મુળ પરબવાવડીના હડમતીયાનો હતોઃ હસીના સાથે લવમેરેજ કર્યા હતાં:

પણ બાદમાં પત્નિએ તરછોડ્યો હતો

. હત્યાનો ભોગ બનનાર અને અગાઉ બબ્બે હત્યા કરનાર મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળીયો મગનભાઇ સનુરા (પ્રજાપતિ) મુળ જુનાગઢના પરબવાવડીના હડમતીયા ગામનો વતની હતો. તે બે ભાઇ અને બે બહેનમાં  નાનો હતો. ૨૬ વર્ષ પહેલા તેણે ભગવતીપરાના જુબેદાબેનની દિકરી હસીના સાથે લવમેરેજ કર્યા હતાં. તેના થકી એક દિકરી અને એક દિકરાનો પિતા પણ બન્યો હતો. પણ આજથી સોળ વર્ષ પહેલા મનદુઃખ થતાં પત્નિ તેને છોડી સંતાનોને લઇને જતી રહી હતી. ત્યારથી મહેશ રખડતું જીવન જીવતો થઇ ગયો હતો અને બાદમાં દારૂ વેંચવા માંડ્યો હતો. ફુટપાથ પર જ સુઇ રહેતો હતો. રખડુ મિત્રો સાથે સંગત થયા બાદ બબ્બે હત્યાઓ પણ પોતાના નામે ચડાવી ચુકયો હતો.

(3:16 pm IST)